China Using AI For Making WarPlanes: ચીન હવે એડવાન્સ્ડ ફાઇટર જેટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડીપસીકનો ઉપયોગ કરી રહ્યું છે. ચીન તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટમાં હવે ડીપસીકનો ઉપયોગ કરી રહ્યું છે. શેન્યાંગ એરક્રાફ્ટ ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટના એરોસ્પેસ એન્જિનિયર અને ચીફ ડિઝાઇનર વેન્ગ યોન્ગિંગ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે ફાઇટર જેટ માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એરોસ્પેસ રિસર્ચમાં ડીપસીક
વેન્ગ યોન્ગિંગ અને તેમની ટીમ હાલમાં લાર્જ લેન્ગવેજ મોડલ ડીપસીક અને જો જરૂર પડે તો ચેટજીપીટીનો ઉપયોગ કરીને તમામ પાસાંને એક્સપ્લોર કરી રહ્યાં છે. નવી ટેક્નોલોજી માટે શું જરૂરી છે, શું અવરોધો આવી શકે, અને તે કેવી રીતે દૂર કરી શકાય વગેરે માટે તેઓ AIનો ઉપયોગ કરી રહ્યાં છે. આ વિશે વેન્ગ યોન્ગિંગ કહે છે, ‘આ ટેક્નોલોજી દ્વારા અત્યાર સુધી ઘણાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. ભવિષ્યમાં એરોસ્પેસ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ઉત્તમ વિચાર મળી રહ્યા છે. તેમજ, કેવી રીતે આગળ વધવું તે અંગે પણ દિશા મળી છે.’
ચીનની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી
વેન્ગ યોન્ગિંગની ઉંમર 60 વર્ષ છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી શેન્યાંગ એરક્રાફ્ટ ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટમાં કામ કરી રહ્યાં છે. ચીનની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનની આ પેટા કંપની છે, જે દ્વારા ચીન માટે અનેક ફાઇટર જેટ બનાવવામાં આવ્યાં છે. એમાં મલ્ટીરોલ ફાઇટર જેટ તેમજ નેવી માટે J-15 અને J-35નો સમાવેશ થાય છે. ચર્ચા છે કે આ ફાઇટર જેટમાં પણ ડીપસીક દ્વારા શોધવામાં આવેલી નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવી શકે.