Spam emails on the rise: આખી દુનિયામાં ઇમેઇલ પ્લેટફોર્મ તરીકે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલ જેવી કંપનીની સર્વિસિસ વધુ પોપ્યુલર છે. આ ત્રણેય કંપની કહે છે કે તેમની સર્વિસ આપણા ઇનબોક્સને ટાર્ગેટ કરતા ૯૯ ટકાથી વધુ સ્પામ, ફિશિંગ અને માલવેર ધરાવતા મેઇલ ઓળખી લે છે અને તેને આપણા ઇનબોક્સને બદલે સીધે સીધા સ્પામ ફોલ્ડરમાં મોકલી આપે છે.
પરંતુ ૯૯ ટકા જેટલી ચોકસાઈ સાથે આ સિસ્ટમ્સ કામ કરતી હોવા છતાં તેમનું પ્રોટેકશન હવે નબળું પુરવાર થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણા પર મોકલવામાં આવતા તમામ પ્રકારના જોખમી મેઇલ આખરે તો કોઈ હેકર એટલે કે માણસે જનરેટ કરેલા રહેતા હતા. પોતાનો સ્પામ ઇમેઇલ જનરેટ કરવા માટે ટેક્સ્ટ અને ઇમેજીસ માટે તે એઆઇની મદદ લે, ઇમેઇલ એડ્રેસનો ડેટાબેઝ મેળવે તથા એક સાથે બહુ મોટા પ્રમાણમાં ઇમેઇલ સેન્ડ કરવા માટે કોઈ સોફ્ટવેરની મદદ લે, પરંતુ આ બધું આખરે હ્યુમન એફર્ટથી થતું હતું.
હવે સ્પામ મેઇલ મોકલવાની આ બધી જ પ્રોસેસ પૂરેપૂરી એઆઇ જનરેટેડ થઈ રહી છે. એ જ કારણે સ્પામ ફિલ્ટર કરવાની બધી કોશિશ અપૂરતી સાબિત થઈ રહી છે. મોટી કંપનીઓના દાવા મુજબ તે ૯૯ ટકા જેટલા સ્પામ મેસેજ ફિલ્ટર કરી શકે છે. પરંતુ બાકી રહેતા એક ટકામાં સ્પામ મેસેજની હવે રીતસર ત્સુનામી ઊભી થઈ રહી છે. આ કારણે સ્પામ મેસેજને ફિલ્ટર કરવા મુશ્કેલ થઈ રહ્યા છે! બીજા શબ્દોમાં કહીએ તો એઆઇ જનરેટેડ સ્પામ મેસેજિસ લગભગ અનબિટેબલ પુરવાર થઈ રહ્યા છે.
સ્પામ મેસેજિસ વિશે સંશોધન કરતી કંપનીઓના અંદાજ મુજબ ૨૦૨૩માં એઆઇ જનરેટેડ સ્પામ મેસેજિસ હ્યુમન જનરેટેડ મેઇલ્સ કરતાં ૩૧ ટકા ઓછા ઇફેક્ટિવ હતા. નવેમ્બર ૨૦૨૪માં આ આંકડા બદલાયા અને એઆઇ જનરેટેડ સ્પામ મેસેજિસ હ્યુમન જનરેટેડ મેઇલ્સ કરતાં ફક્ત ૧૦ ટકા ઓછા ઇફેક્ટિવ હતા.
પરંતુ માર્ચ ૨૦૨૫માં આ સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ. હવે એઆઇ જનરેટેડ સ્પામ મેસેજિસ હ્યુમન જનરેટેડ મેઇલ્સ કરતાં ૨૪ ટકા વધુ ઇફેક્ટિવ સાબિત થઈ રહ્યા છે!
આ બધી વાતોનો મૂળ અર્થ એ થયો કે ઇન્ટરનેટ પર અન્ય બધી જગ્યાઓની જેમ ઇમેઇલમાં પણ આપણા પર હુમલા થવાનો જોખમો વધી રહ્યાં છે. આપણે જે પણ કંપનીની ઇમેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તે આ જોખમોનો સામનો કરવા માટે ભરપૂર કોશિશ કરી રહી છે. પરંતુ આપણે પણ સતત સતર્ક રહેવું પડશે અને જોખમી ઇમેઇલ્સ પારખીને તેમાં આપવામાં આવેલી કોઈ પણ વિગત સાચી ન માનવાનું ધ્યાન રાખવું પડશે. આવા ઇમેઇલ્સમાં આપવામાં આવેલ કોઈ પણ લિંક પર ક્લિક કરવાનો તો સવાલ જ રહેતો નથી!