Coinbase Cyber Attack Arrest: Coinbase હેકિંગમાં હૈદરાબાદ પોલીસની મોટી કાર્યવાહી, અમેરિકાના દિગ્ગજ ક્રિપ્ટો એક્સચેન્જને લૂંટનારો એજન્ટ ભારતમાં ઝડપાયો, સીઈઓએ માન્યો ખાખીનો આભાર!

Arati Parmar
3 Min Read

Coinbase Cyber Attack Arrest: અમેરિકાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Coinbase પર થયેલા મોટા સાયબર એટેકમાં કથિત રીતે સામેલ કંપનીનો એક પૂર્વ એજન્ટ ભારતમાં ધરપકડ થયો છે. આ વર્ષે મે મહિનામાં Coinbase પર આ સાયબર એટેક થયો હતો. આનાથી આ એક્સચેન્જને 40 કરોડ ડોલર સુધીનું નુકસાન થવાનો અંદાજ હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં Coinbase ના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગે સાયબર એટેકમાં સામેલ કંપનીના કસ્ટમર સર્વિસ એજન્ટની ધરપકડ કરવા બદલ હૈદરાબાદ પોલીસનો આભાર માન્યો છે. આ પોસ્ટમાં બ્રાયને લખ્યું છે કે, “અમે ખરાબ વર્તન માટે ઝીરો ટોલરન્સ રાખીએ છીએ. દોષિતોને ન્યાયના દાયરામાં લાવવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે અમે કામ કરવાનું ચાલુ રાખીશું. ભારતમાં હૈદરાબાદ પોલીસનો આભાર. Coinbase નો એક પૂર્વ કસ્ટમર સર્વિસ એજન્ટ ધરપકડ થયો છે. આમાં ઘણા પકડાવાના બાકી છે.”

- Advertisement -

Coinbase એ જણાવ્યું હતું કે હેકર્સે અમેરિકાની બહાર તેના કોન્ટ્રાક્ટરો અને કામદારોને લાંચ આપીને ગ્રાહકોના સંવેદનશીલ ડેટાની ચોરી કરી હતી. હેકર્સે બે કરોડ ડોલરની ખંડણીની પણ માંગણી કરી હતી. Coinbase એ જણાવ્યું હતું કે સાયબર એટેકથી તેને 40 કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. જોકે, કંપનીએ હેકર્સને ખંડણી ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. તેની સાથે જ આ સાયબર એટેકથી પ્રભાવિત તમામ ગ્રાહકોને તેમના નુકસાનની ભરપાઈ કરવાનું વચન આપ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે તે ખંડણી ચૂકવશે નહીં અને તેના બદલે આ સાયબર એટેક માટે જવાબદાર ગુનેગારોની ધરપકડ અને તેમની વિરુદ્ધ ગુનો સાબિત કરવા સંબંધિત માહિતી આપનારાઓ માટે બે કરોડ ડોલરનું ફંડ બનાવવામાં આવ્યું છે.

ભારતમાં તાજેતરમાં ક્રિપ્ટો સ્કેમના એક મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આમાં કથિત રીતે નકલી ક્રિપ્ટોકરન્સી પોન્ઝી સ્કીમ અને મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) સ્કેમથી અનેક ઇન્વેસ્ટરો સાથે લગભગ 2,300 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કેસની તપાસ શરૂ કરી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ સ્કેમના મુખ્ય આરોપી સુભાષ શર્મા અને તેના સાથીદારો વિરુદ્ધ ઘણી FIR નોંધવામાં આવી હતી. જોકે, આ સ્કેમનો મુખ્ય આરોપી સુભાષ શર્મા લગભગ બે વર્ષ પહેલા દેશમાંથી ફરાર થઈ ગયો હતો. આમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, ચિટ ફંડ્સ એક્ટ અને બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ અને કેટલાક અન્ય કાયદાઓ હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે.

- Advertisement -
Share This Article