Google Maps Plus Code: હવે ગૂગલ મેપ પર લોકેશન શોધવી થશે સાવ સરળ, પ્લસ કોડનો જાદુ ચાલશે

Arati Parmar
4 Min Read

Google Maps Plus Code: શું તમારી સાથે પણ એવું થાય છે કે જ્યારે તમે કોઈની સાથે તમારું એડ્રેસ શેર કરો છો, ત્યારે ગૂગલ મેપ્સ પર સાચું લોકેશન ખુલતું નથી? આના કારણે અવારનવાર કુરિયર અથવા ઓનલાઈન ઓર્ડર્સને સાચા સરનામે પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. એવામાં તમે તમારા એડ્રેસમાં ગૂગલનો ખાસ ‘પ્લસ કોડ’ (Plus Code) ઉમેરી શકો છો. આવું કરવાથી તમારું સરનામું ગૂગલ મેપ્સ પર બિલકુલ સચોટ લોકેશન બતાવશે. ત્યારબાદ તમને તમારા ઓનલાઈન ઓર્ડર્સ સરળતાથી સાચી જગ્યાએ મળી શકશે. જણાવી દઈએ કે ગૂગલ મેપ્સના પ્લસ કોડને તમારા એડ્રેસમાં પિનકોડ પછી ઉમેરવાનો રહેશે. ચાલો વિગતવાર સમજીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

શું છે Google Maps નો Plus કોડ?

ગૂગલ મેપ્સના પ્લસ કોડને તમે એક ખાસ પ્રકારનું ડિજિટલ સરનામું માની શકો છો. આ સરનામું એ જગ્યાઓનું સચોટ લોકેશન જણાવે છે જ્યાં પોસ્ટલ એડ્રેસ પહોંચી શકતું નથી. આ કોડ અક્ષરો અને અંકોનું નાનું કોમ્બિનેશન હોય છે, જેમ કે 7JWVF23+4X અને તે ગૂગલ મેપ્સ એપમાં જ મળી જાય છે.

- Advertisement -

આ કોડ એવા ગામડાઓ, જંગલ, પહાડી વિસ્તારો અથવા નવી સોસાયટીઓમાં પહોંચવા માટે બનાવવામાં આવ્યો છે જ્યાં ઘર નંબર કે રસ્તાનું નામ હોતું નથી. તમે આ કોડ કોઈને પણ મોકલીને ગૂગલ મેપ્સ પર તમારા સુધી પહોંચવાનું સચોટ લોકેશન આપી શકો છો. આ ઉપરાંત તમે આ કોડને તમારા સરનામાંમાં પણ સામેલ કરી શકો છો.

તમારા સરનામાંમાં ક્યાં સામેલ કરવો?

ઓનલાઈન શોપિંગ એપ્સ પર જો તમારા એડ્રેસમાં ગૂગલ મેપ્સના પ્લસ કોડને ઉમેરી દેવામાં આવે, તો ડિલિવરી કરનારને સામાન પહોંચાડવામાં ક્યારેય સમસ્યા નહીં થાય. તમારા લોકેશન માટે ગૂગલ મેપ્સ એપમાં આપેલા કોડને કોપી કરીને તમારા એડ્રેસમાં પિન કોડ પછી ઉમેરી શકાય છે. આનાથી તમારું એડ્રેસ ગૂગલ મેપ્સ પર બિલકુલ સચોટ લોકેશન બતાવવા લાગશે. ચાલો તેને શોધવાની રીત સમજી લઈએ.

- Advertisement -

આ રીતે શોધો તમારો Plus Code

૧. જો તમે તમારા ગૂગલ મેપ્સ પર રહેલા પ્લસ કોડને જાણવા માંગતા હોવ, તો સૌથી પહેલા તમારા ફોન પર ગૂગલ મેપ્સ એપ ખોલો.

૨. ત્યારબાદ તમારા લોકેશન પર જાઓ. મેપ્સમાં તમારું લોકેશન બ્લુ ડોટ (Blue Dot) તરીકે બતાવવામાં આવે છે. જો તમે તમારા લોકેશનની જગ્યાએ બીજી કોઈ જગ્યાનો સચોટ કોડ જાણવા માંગતા હોવ, તો મેપ્સ પર તે લોકેશન ખોલી લેવું.

- Advertisement -

૩. ત્યારબાદ તે લોકેશન પર થોડીવાર પ્રેસ (દબાવી) કરી રાખો, જેનાથી તે લોકેશનનું ડિટેલ પેજ ખુલશે.

૪. અહીં ‘About’ માં લોકેશનના એડ્રેસની નીચે તમને કોડ દેખાશે. આ કોડને કોપી કરીને તમારા એડ્રેસમાં પિનકોડ પછી પેસ્ટ કરી દો. જેમ કે- હાઉસ નંબર XX, ગલી નંબર Y, વિસ્તાર Z, બિહાર 843301, HGV2+M76 Sitamarhi, Bihar, India (આ સરનામાંમાં પિન કોડ પછી જે રીતે કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે જ રીતે તમે પણ કોડ પેસ્ટ કરી દો.)

આ રીતે તમે તમારા એડ્રેસને ગૂગલ મેપ્સ પર સરળતાથી સર્ચ થઈ શકે તેવું બનાવી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમારો પ્લસ કોડ સાચી રીતે કામ કરે તે માટે જરૂરી છે કે તમે સાચા લોકેશનનો પ્લસ કોડ કોપી કર્યો હોય. આ માટે લોકેશન પર થોડીવાર ટચ કર્યા પછી લોકેશન વિશે આવતી વિગતોને બરાબર ચેક કરી લો. આ ઉપરાંત જો લોકેશનનો ‘સ્ટ્રીટ વ્યૂ’ ઉપલબ્ધ હોય, તો ચેક કરી લો કે તમે સાચી જગ્યાનો પ્લસ કોડ કોપી કરી રહ્યા છો કે નહીં.

Share This Article