Google Photos AI Editing: ગૂગલ ફોટોઝમાં હવે ચાલશે તમારી બોલી! ગુજરાતીમાં બોલીને કરી શકાશે ફોટો એડિટ

Arati Parmar
3 Min Read

Google Photos AI Editing: જો તમારા ફોનની રેમ 4GB કે તેથી વધુ હોય અને તે એન્ડ્રોઇડ 8 કે તેથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો હોય, તો હવે તમે ગૂગલ ફોટોઝમાં બોલીને એડિટિંગ કરી શકશો. આ માટે માત્ર અંગ્રેજી આવડવું જરૂરી નથી. હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી, ગુજરાતી અને તેલુગુ બોલનારા લોકો પણ પોતાની ભાષામાં ફોટો એડિટિંગ કરી શકશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા ભારતીયોને ગૂગલ તરફથી આ એક મોટી ભેટ આપવામાં આવી છે. કંપનીનું AI પાવર્ડ એડિટિંગ ટૂલ, અમેરિકા પછી હવે ભારતમાં પણ આવી રહ્યું છે.

‘Ask photos’ માટે પિક્સેલ ફોન હોવો જરૂરી નથી

ગૂગલનું ‘Ask photos’ ફીચર, જે અત્યાર સુધી માત્ર પિક્સેલ 10 સ્માર્ટફોન્સ માટે જ હતું, તે હવે એન્ડ્રોઇડ માટે પણ આવી રહ્યું છે. આ ફીચરની મદદથી બોલીને કે લખીને ફોટો એડિટ કરાવી શકાય છે. ભારતમાં તમામ એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ ફોટોઝમાં આ નવા ફીચરનો ઉપયોગ કરી શકશે. આ માટે ફોટોઝ એપની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

સ્થાનિક ભાષાઓમાં મળશે સપોર્ટ

ગૂગલ ફોટોઝમાં AI દ્વારા બોલીને ફોટો એડિટ કરવાની સુવિધા અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, તેલુગુ, ગુજરાતી અને બંગાળી જેવી ભાષાઓમાં પણ મળશે. અત્યાર સુધી આ ફીચર માત્ર અમેરિકામાં પિક્સેલ 10 યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું. હવે તેને ભારતના તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લાવવામાં આવી રહ્યું છે. જો તમારા ફોનમાં ઓછામાં ઓછી 4 GB રેમ હોય અને તે એન્ડ્રોઇડ 8 કે તેથી ઉપરના વર્ઝન પર ચાલતો હોય, તો તમે આ સુવિધાનો લાભ લઈ શકશો.

AI થી કેવી રીતે એડિટ થશે ફોટા?

જો તમે ગૂગલ ફોટોઝ એપ વાપરો છો અને AI દ્વારા ફોટો એડિટ કરાવવા માંગો છો, તો તમારે ફોટો પસંદ કરવો પડશે. ફોટો પસંદ કર્યા પછી તમને ‘Help me edit’ બાર દેખાશે. તેના પર ક્લિક કરીને તમે Gemini ને એક્ટિવેટ કરી શકો છો અને ફોટો એડિટ કરવા માટે કહી શકો છો. એડિટિંગ દરમિયાન તમને ‘remove background clutter’ અથવા ‘focus more on him/her’ જેવા સામાન્ય ફીચર્સ મળશે. આ સિવાય જો તમારે બીજું કંઈ એડિટિંગ કરાવવું હોય તો તમે જેમિનીની મદદ લઈ શકશો. હાલમાં જ આની જાહેરાત કરવામાં આવી છે, તેથી આગામી થોડા દિવસોમાં તે દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

- Advertisement -
Share This Article