Government Plan Data Usage Tax: સરકાર ઇન્ટરનેટને મોંઘું કરવાની તૈયારીમાં છે. અહેવાલોનું માનીએ તો, હવે દરેક GB ડેટાના વપરાશ સાથે તમારા ખિસ્સામાંથી વધુ પૈસા કપાઈ શકે છે. હાલમાં સરકારમાં આ અંગે મંથન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે સરકારની કમાણી વધારવાના એક અનોખા રસ્તા તરીકે ‘ડેટા યુસેજ ટેક્સ’ (Data Usage Tax) લાવવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી તાજેતરની સમીક્ષા બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ વિશે જાણ થતા જ ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતોનો દાવો છે કે આની સીધી અસર લોકોના મોબાઈલ રિચાર્જ પ્લાનના બજેટ પર પડી શકે છે.
સ્ક્રીન ટાઈમ ઘટાડવા અને પોઝિટિવ ઉપયોગ પર જોર
સરકાર આ પ્રસ્તાવ એ હેતુથી લાવી રહી છે કે ઇન્ટરનેટનો ઉપયોગ સકારાત્મક કાર્યો માટે થાય. ટેલિકોમ વિભાગ (DoT) ને સપ્ટેમ્બર 2026 સુધીમાં રિપોર્ટ સબમિટ કરીને જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે શું આ કરવું શક્ય છે? આ ટેક્સનો એક હેતુ બાળકો અને યુવાનોમાં વધતા ‘સ્ક્રીન ટાઈમ’ ને ઘટાડવાનો છે.
સરકાર એક એવું મોડલ બનાવવા માંગે છે જેનાથી સકારાત્મક ડેટા વપરાશ વધે. આ ટેક્સ દ્વારા સરકાર ઇન્ટરનેટની લત અને વધતા સ્ક્રીન-ઓન ટાઈમ પર કાબૂ મેળવવા માંગે છે. જોકે, એ જોવું રહ્યું કે સરકાર શિક્ષણ અને મનોરંજન વચ્ચે ડેટાના વપરાશમાં તફાવત કેવી રીતે નક્કી કરશે.
શું આવું કરવું શક્ય છે?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર સત્યા એન. ગુપ્તાએ આ પ્રસ્તાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ડેટા પર ટેક્સ લાદવો માત્ર અશક્ય જ નથી પણ તે દેશમાં ડિજિટલ સેવાઓને ખોરવી પણ શકે છે. અહેવાલો અનુસાર, આનાથી ડિજિટલ ઇનોવેશન અટકી જશે અને ડિજિટલ ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક સરસાઈ જોખમમાં મુકાઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં મોબાઈલ રિચાર્જ પર 18% GST લાગે છે, આવી સ્થિતિમાં ડેટા પર અલગથી ટેક્સ લાદવો યુઝર્સ માટે બેવડો ફટકો સાબિત થઈ શકે છે.
જો ટેક્સ લાગશે તો કેટલી કમાણી થશે?
અહેવાલો અનુસાર, હવે સ્પેક્ટ્રમની હરાજી અને લાઇસન્સ ફી ઉપરાંત સરકાર કમાણીનો નવો રસ્તો શોધી રહી છે. આંકડા મુજબ, 2025 માં ભારતનો મોબાઈલ ડેટા વપરાશ લગભગ 229 અબજ GB હતો. આવી સ્થિતિમાં, જો સરકાર દરેક GB પર 1 રૂપિયાનો મામૂલી ટેક્સ પણ લગાવે છે, તો તેનાથી સરકારને સીધો 22,900 કરોડ રૂપિયાનો ફાયદો થશે. એક તર્ક એવો છે કે આ રકમ દેશના વિકાસના કામમાં આવી શકે છે, જ્યારે સત્ય એ પણ છે કે આનાથી મોંઘા ઇન્ટરનેટનો બોજ સામાન્ય લોકો પર પડી શકે છે.

