Argo Float Robot: અન્ટાર્કટિકામાં એક નાનો રોબોટ ગુમ થઈ ગયો હતો, પરંતુ પછી અચાનક પાછો આવ્યો. આ રોબોટને ‘આર્ગો ફ્લોટ’ (Argo float) કહે છે, જે સમુદ્રમાં તાપમાન અને મીઠાનું પ્રમાણ માપે છે. વૈજ્ઞાનિકોએ તેને ટૉટન (Totten) ગ્લેશિયર પાસે છોડ્યો હતો. ત્યાંનો બરફ પૂરો પીગળે તો સમુદ્રનું જળસ્તર ૩.૫ મીટર સુધી વધી શકે છે. પરંતુ આ રોબોટ જલ્દી જ વહીને દૂર ચાલ્યો ગયો. વૈજ્ઞાનિકો નિરાશ થઈ ગયા, કારણ કે તેઓ ટૉટનના બરફ પીગળવાનું કારણ જાણવા માંગતા હતા. હવે આ રોબોટ ડેનમન (Denman) અને શૈકલટન (Shackleton) આઈસ સેલ્ફની નીચેથી પસાર થઈને પાછો ફર્યો. રોબોટે નવ મહિના બરફની નીચે વિતાવ્યા અને ખૂબ જ જરૂરી માહિતી એકઠી કરી.
શું છે આર્ગો ફ્લોટ રોબોટ?
‘દ દીબ્રીફ’ના અહેવાલ મુજબ, આર્ગો ફ્લોટ એક ઓટોમેટિક રોબોટ છે જે સમુદ્રમાં ફરે છે. તે બે કિલોમીટર ઊંડાઈ સુધી જાય છે અને ઉપર-નીચે થતો રહે છે. દર દસ દિવસે સપાટી પર આવીને ડેટા સેટેલાઇટ દ્વારા મોકલે છે. દુનિયાભરમાં આવા હજારો ફ્લોટ કામ કરે છે. આ રોબોટે પહેલીવાર પૂર્વ અન્ટાર્કટિકાની આઈસ સેલ્ફની નીચે દર પાંચ દિવસે તાપમાનનો ડેટા લીધો.
વૈજ્ઞાનિકોને શું જાણવું હતું?
અન્ટાર્કટિકાની આઈસ સેલ્ફ તરતી મોટી બરફની ચાદરો છે. તે જમીન પરના બરફને સમુદ્રમાં જતા રોકે છે. જો નીચેથી ગરમ પાણી આવે તો તે પીગળી જાય છે. પીગળવા પર જમીનનો બરફ ઝડપથી સમુદ્રમાં પડે છે અને જળસ્તર વધે છે. ડેનમન ગ્લેશિયરમાં એટલો બરફ છે કે પૂરો પીગળે તો જળસ્તર ૧.૫ મીટર વધી જાય. શૈકલટન આઈસ સેલ્ફ પૂર્વ અન્ટાર્કટિકાની સૌથી ઉત્તરી સેલ્ફ છે. વૈજ્ઞાનિકો જાણવા માંગતા હતા કે ગરમ પાણી આની નીચે પહોંચી રહ્યું છે કે નહીં. આ કામ હવે રોબોટે કરી દીધું.
રોબોટે ૩૦૦ કિમીની મુસાફરી કરી
રોબોટ ટૉટનથી વહીને ડેનમનની પાસે પહોંચ્યો. ત્યાં ગરમ પાણી બરફની નીચે જઈ રહ્યું હતું, જે પીગળવાનું કારણ બની શકે છે. પછી રોબોટ બરફની નીચે ચાલ્યો ગયો. વૈજ્ઞાનિકોને લાગ્યું કે હવે આ ક્યારેય પાછો નહીં ફરે. પરંતુ નવ મહિના પછી તે ડેનમન અને શૈકલટનની નીચેથી નીકળીને બહાર આવી ગયો. આ દરમિયાન તેણે ૩૦૦ કિલોમીટરની મુસાફરી કરી અને લગભગ ૨૦૦ વાર ડેટા લીધો. બરફની નીચે હોવાથી GPS મળતું નહોતું, પરંતુ રોબોટ જ્યારે બરફ સાથે ટકરાતો ત્યારે તેની જાડાઈ માપી લેતો. સેટેલાઇટની જૂની માહિતી સાથે સરખાવીને વૈજ્ઞાનિકોએ તેનો રસ્તો શોધી કાઢ્યો.
વૈજ્ઞાનિકો આવા બીજા અનેક રોબોટ મોકલશે
ડેટા પરથી ખબર પડી કે શૈકલટન આઈસ સેલ્ફની નીચે અત્યારે ગરમ પાણી પહોંચી રહ્યું નથી. ત્યાં પાણી ઠંડુ છે અને બરફ હાલમાં સુરક્ષિત છે. પરંતુ ડેનમનની નીચે ગરમ પાણી જઈ રહ્યું છે, જે બરફ પીગળાવી રહ્યું છે. જો ગરમ પાણીનું પ્રમાણ થોડું પણ વધ્યું તો પીગળવાની પ્રક્રિયા ઝડપી થઈ જશે. ટૉટન અને ડેનમન બંને ગ્લેશિયર મળીને સમુદ્રના સ્તરને પાંચ મીટર સુધી વધારી શકે છે. આ નવી જાણકારી વૈજ્ઞાનિકોને ક્લાયમેટ મોડલ સુધારવામાં મદદ કરશે. વૈજ્ઞાનિકો હવે આવા વધુ રોબોટ મોકલવાની યોજના બનાવી રહ્યા છે.

