WhatsApp Bill Payment: વોટ્સએપ પર હવે 30 પ્રકારનાં બિલ ભરો, વીજળી-પાણીથી FASTag સુધીની પેમેન્ટ સુવિધા

Arati Parmar
3 Min Read

WhatsApp Bill Payment: વોટ્સએપે લગભગ 85 કરોડ ભારતીય વપરાશકર્તાઓને વધુ એક મોટી સુવિધા આપી છે. હવે એપનો ઉપયોગ કરતાં કરતાં વીજળી-પાણી સહિત 30 પ્રકારનાં બિલ વોટ્સએપ પરથી જ ભરી શકાશે. અહેવાલો અનુસાર, નવું ‘ઇન-એપ પેમેન્ટ ફીચર’ રજૂ કરવામાં આવ્યું છે. આ સુવિધાની મદદથી એપની અંદર જ જાણી શકાશે કે તમારું વીજળી-પાણીનું બિલ કેટલું આવ્યું છે અને બિલ ભરવાની સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધા તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. આગામી કેટલાક મહિનામાં આ સુવિધા તમામ વોટ્સએપ વપરાશકર્તાઓને મળી શકે છે.

FASTag રિચાર્જ અને ઇન્શ્યોરન્સ પેનો પણ વિકલ્પ

મળતી માહિતી અનુસાર, વોટ્સએપની નવી સેવા ભારત કનેક્ટના નેટવર્ક સાથે જોડાયેલી છે. તેના દ્વારા વપરાશકર્તાઓને વીજળી, પાણી, પાઇપલાઇન ગેસ, FASTag રિચાર્જ, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડ બિલ ભરવાની સુવિધા મળશે. કુલ 30 પ્રકારનાં બિલ વપરાશકર્તાઓ ભરી શકશે, જેમાં ભાડું પણ સામેલ છે. વોટ્સએપ પર 22,722 બિલર્સને પેમેન્ટ કરવાની સુવિધા મળશે.

- Advertisement -

બિલ પેમેન્ટ કરવું સરળ

વોટ્સએપ પરથી બિલ પેમેન્ટને ખૂબ સરળ બનાવવામાં આવ્યું છે. વપરાશકર્તાઓ હોમ સ્ક્રીન પર સૌથી ઉપર આપવામાં આવેલા રૂપિયા આઇકૉન પર ટૅપ કરીને સીધા બિલ મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને બિલ ભરી શકશે.

- Advertisement -

વોટ્સએપથી આ રીતે કરો બિલ પેમેન્ટ

  • વોટ્સએપ ખોલો અને સૌથી ઉપર નેવિગેશન બારમાં આપવામાં આવેલા આઇકૉન પર ક્લિક કરો.
  • તમારી જરૂરિયાત અનુસાર બિલ કેટેગરી અને સર્વિસ પ્રોવાઇડર પસંદ કરો.
  • તમારો કન્ઝ્યુમર નંબર અથવા અકાઉન્ટ આઇડી દાખલ કરીને કન્ફર્મ કરો.
  • સ્ક્રીન પર દર્શાવેલી બિલની વિગતો અને કુલ રકમની ચકાસણી કરો.
  • અંતે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની મદદથી બિલ ભરો.

આ ફીચર્સ કામને વધુ સરળ બનાવશે

વોટ્સએપ પરથી બિલ પેમેન્ટ કરનારા લોકોનું કામ સરળ બનાવવા માટે કંપનીએ કેટલીક બાબતોને વધુ સરળ બનાવી છે. જેમ કે-

  • કેટેગરી શોધવી સરળ: સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કેટેગરી મુખ્ય પેમેન્ટ સ્ક્રીન પર જ દેખાશે, જ્યારે બાકીની તમામ કેટેગરી માટે અલગ ડિરેક્ટરી મળશે.
  • ઑટોમેટિક બિલ સમરી: વપરાશકર્તાઓના લિંક કરાયેલા અકાઉન્ટ્સ પર આવતાં બિલ વોટ્સએપ આપમેળે સ્ક્રીન પર દર્શાવશે. એટલે કોઈની સાથે ચેટ કરતી વખતે જ તમને ખબર પડી જશે કે બિલ કેટલું આવ્યું છે. બિલની વિગતો એપ પર સેવ રહેશે, જેથી વારંવાર વિગતો દાખલ કરવાની જરૂર નહીં પડે.
  • વધુ અકાઉન્ટ્સ મેનેજ કરી શકાશે: વપરાશકર્તા એક જ સર્વિસ પ્રોવાઇડરના અનેક અકાઉન્ટ્સ જોડીને તેમને ટ્રૅક કરી શકશે. ઉદાહરણ તરીકે, અનેક વીજળી બિલ એક જ અકાઉન્ટથી ભરી શકાશે. પેમેન્ટ કરવા માટે વપરાશકર્તાઓને UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ત્રણેયનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

બિલ પેમેન્ટ ફીચર રજૂ કરીને વોટ્સએપે ભારતમાં પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો છે. આ પહેલાં એપ પરથી મોબાઇલ રિચાર્જ, મેટ્રો ટિકિટ બુકિંગ વગેરે કરાવી શકાતું હતું. યૂટિલિટી બિલ્સ ઉમેરાતા લોકોનાં જરૂરી કામ વધુ સરળ બની શકશે.

- Advertisement -
Share This Article