Huawei Pura X Max: ચીની સ્માર્ટફોન કંપની Huawei એ એપલ અને સેમસંગને પાછળ છોડીને દુનિયાનો પહેલો પહોળો એટલે કે વાઈડ ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરી દીધો છે. કંપનીએ પહોળી સ્ક્રીનવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનને Pura X Max નામ સાથે રજૂ કર્યો છે. આ સામાન્ય રીતે ફોલ્ડેબલ સ્માર્ટફોન્સમાં જોવા મળતી લાંબી સ્ક્રીન્સથી અલગ છે. Huawei Pura X Max ને ઈન્ડસ્ટ્રીનો પહેલો હોરિઝોન્ટલી (આડો) પહોળો ફોલ્ડેબલ ફોન જણાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે સેમસંગ અપકમિંગ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં Galaxy Z Fold 8 ની સાથે પહોળો ફોલ્ડેબલ ફોન લાવી શકે છે. પરંતુ ચીની કંપની હુવાવેએ આ પહેલા જ પોતાનો પહોળો ફોલ્ડેબલ ફોન રજૂ કરી દીધો છે.
દેખાવમાં iPad Mini જેવો
ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર Huawei એ ફોનના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં ફોન ઘણો પહોળો લાગી રહ્યો છે. લુકની વાત કરીએ તો પહોળો હોવાને કારણે તે iPad mini જેવો ફીલ આપી રહ્યો છે. ખરેખર, અત્યારે બજારમાં મોજૂદ તમામ ફોલ્ડિંગ ફોન એક રેગ્યુલર આકારમાં આવે છે અને ખૂલીને એક ટેબ્લેટની જેમ બની જાય છે. તેમનો આસ્પેક્ટ રેશિયો લગભગ ચોરસ હોય છે. જોકે, Huawei એ એક અલગ આકાર પસંદ કર્યો છે, જે સામાન્ય કરતા વધુ પહોળો છે. આ ડિઝાઈન તમને Google Pixel Fold ની યાદ અપાવી શકે છે. Huawei એ હજુ સુધી પોતાના આ પહોળા ફોલ્ડેબલ ફોનના સ્પેસિફિકેશન્સ કન્ફર્મ કર્યા નથી.
વીડિયો જોવો મજેદાર રહેશે
પહોળા ફોલ્ડેબલ ફોનનો સ્ક્રીન રેશિયો મીડિયા જોવા માટે વધુ સારો છે, કારણ કે તેમાં વીડિયો જોતી વખતે કિનારીઓ પર મોટી કાળી પટ્ટીઓ નથી આવતી અને બધું જ વધુ નેચરલ લાગે છે. જોકે, આનાથી ફોન વધુ ભારે થઈ જાય છે. તેને પકડવો મુશ્કેલ હોઈ શકે છે અને વધુ કોમ્પેક્ટ ડિવાઈસની સરખામણીમાં આ ઓછું આરામદાયક હોઈ શકે છે. Huawei ની સત્તાવાર તસવીરોમાં Pura X Max એક નાનો, પહોળો ફોલ્ડેબલ ફોન દેખાય છે, જેમાં ટ્રિપલ રિયર કેમેરા, સ્ક્રીન પર ખૂબ જ હળવી ક્રીઝ અને ત્રણ કલર ઓપ્શન ઉપલબ્ધ છે. જેમાં સફેદ, નારંગી અને જાંબલી સામેલ છે.
શરૂ થઈ ગયા પ્રી-ઓર્ડર
કંપની 21 એપ્રિલે આ ડિવાઈસ વિશે વધુ માહિતી આપશે, પરંતુ ચીનના ગ્રાહકો અત્યારથી જ આ ફોલ્ડેબલ ફોનને પ્રી-ઓર્ડર કરી શકે છે. Pura X Max પહેલા Huawei એ એક પહોળી સ્ક્રીનવાળો ફ્લિપ સ્માર્ટફોન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. Huawei એ Apple અને Samsung પહેલા જ પોતાનો નવો “પહોળો” ફોલ્ડેબલ ફોન રજૂ કરી દીધો છે. આ બંને કંપનીઓ પણ આ વર્ષે આ જ પ્રકારના આકારવાળા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જોકે, તેમના પહેલા જ ચીની કંપનીએ બાજી મારી લીધી છે.

