ભારતમાં સૂર્યપ્રકાશના કલાકો ઘટી રહ્યા છે: BHU-IITM-IMD અભ્યાસ
આ વર્ષના લાંબા ચોમાસા અને સતત વાદળછાયા આકાશને કારણે એવું લાગ્યું કે જાણે સૂર્ય ગાયબ થઈ ગયો હોય, પણ આ માત્ર અનુભૂતિ નથી, આંકડાઓ પણ તેની પુષ્ટિ કરે છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), પૂણેની IITM અને IMDના વૈજ્ઞાનિકોના નવા અભ્યાસ મુજબ, ભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષમાં સૂર્યપ્રકાશના કલાકો ઝડપથી ઘટી રહ્યા છે. આ ઘટાડા માટે જાડા વાદળો અને વધતાં એરોસોલ પ્રદૂષણને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ સંશોધન આ મહિને ‘નેચરની સાયન્ટિફિક રિપોર્ટ્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.
અભ્યાસના તારણો: 20 સ્થળોનો ડેટા
વૈજ્ઞાનિકોએ 1988થી 2018 સુધીના 9 વિસ્તારોના 20 હવામાન સ્ટેશનોના સૂર્યપ્રકાશ-કલાકના ડેટાની તપાસ કરી. સૂર્યપ્રકાશ-કલાક એ સમય હોય છે જ્યારે સૂર્યનો પ્રકાશ એટલો તેજ હોય કે તેને રૅકોર્ડ કરી શકાય. ડેટાના કારણે જાણવા મળ્યું કે, તમામ વિસ્તારોમાં વાર્ષિક સૂર્યપ્રકાશના કલાકો ઘટ્યા છે. માત્ર પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની ઋતુમાં થોડી સ્થિરતા જોવા મળી.
BHUના વૈજ્ઞાનિક મનોજ કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે સરેરાશ ઘટાડો નીચે મુજબ છે:
– પશ્ચિમ કિનારો: દર વર્ષે 8.6 કલાકનો ઘટાડો.
– ઉત્તરીય મેદાની વિસ્તારો: સૌથી વધુ ઘટાડો – દર વર્ષે 13.1 કલાક.
– પૂર્વીય કિનારો: દર વર્ષે 4.9 કલાકનો ઘટાડો.
– ડેક્કન ઉચ્ચપ્રદેશ: દર વર્ષે 3.1 કલાકનો ઘટાડો.
– મધ્ય અંતર્દેશીય વિસ્તાર: દર વર્ષે લગભગ 4.7 કલાકનો ઘટાડો.
અભ્યાસ કહે છે કે ઓક્ટોબરથી મે સુધી (સૂકા મહિનાઓમાં) સૂર્યપ્રકાશ વધ્યો, પરંતુ જૂનથી સપ્ટેમ્બર (ચોમાસામાં) ઝડપી ઘટાડો આવ્યો.
સૂર્યપ્રકાશ કેમ ઘટી રહ્યો છે?
વૈજ્ઞાનિકો માને છે કે આ ‘સોલાર ડિમિંગ’ (સૂર્યપ્રકાશનું ઘટવું) એરોસોલ કણોને કારણે છે. એરોસોલ એ નાના કણો છે, જે ફેક્ટરીઓના ધુમાડા, બળતા બાયોમાસ (લાકડું-કોલસો) અને વાહનોના પ્રદૂષણમાંથી નીકળે છે.
આ કણો વાદળો માટે ‘બીજ’નું કામ કરે છે. આનાથી વાદળના નાના-નાના ટીપાં બને છે, જે લાંબા સમય સુધી આકાશમાં ટકી રહે છે. પરિણામે વધારે વાદળ હોવાથી ઓછો સૂર્યપ્રકાશ મળે છે. આ વર્ષના ચોમાસામાં પણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સતત વાદળો છવાયેલા રહ્યા, ખાસ કરીને પશ્ચિમ કિનારો, મધ્ય ભારત અને ડેક્કન ઉચ્ચપ્રદેશ પર. વરસાદ ન હોવા છતાં પણ આકાશ ઢંકાયેલું રહ્યું. અભ્યાસ 2018 સુધીનો છે, પરંતુ આજે પણ એ જ ધૂંધળું વાતાવરણ, ભેજ અને વાદળની પેટર્ન યથાવત્ છે – બલ્કે પહેલાં કરતાં વધુ. તેમજ વધુ એરોસોલ વાદળોને વાતાવરણમાં લાંબા સમય સુધી રાખે છે, જેનાથી જમીન સુધી સૂર્યપ્રકાશ ઓછો પહોંચે છે.
ભારત પર શું અસર થશે?
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું સોલર માર્કેટ છે. પરંતુ ઓછો સૂર્યપ્રકાશ વીજળીનું ઉત્પાદન ઘટાડશે. નવીનીકરણીય ઊર્જાના માળખાનું આયોજન મુશ્કેલ બનશે. તેમજ…
– કૃષિ: પાક સૂર્યપ્રકાશ પર નિર્ભર છે. ઓછો સૂર્યપ્રકાશ ઉપજને અસર કરશે, ખાસ કરીને ચોમાસા પછીના પાકને.
– હવામાન મોડેલિંગ: આનાથી આબોહવા પરિવર્તનની આગાહીમાં ગરબડ થશે. પ્રદૂષણ અને વાદળોની પેટર્ન બદલાઈ રહી છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આ વલણ ચાલુ રહ્યું, તો ભારતે પ્રદૂષણ નિયંત્રણ અને વાદળની દેખરેખ પર વધુ ધ્યાન આપવું પડશે. આ અભ્યાસ દર્શાવે છે કે વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન કેવી રીતે બગડી રહ્યું છે. લાંબુ ચોમાસું સારું લાગે છે, પરંતુ વધુ વાદળો અને પ્રદૂષણને કારણે સૂરજ છુપાઈ રહ્યો છે. ભારતે સ્વચ્છ હવા, ઓછા એરોસોલ અને બહેતર હવામાન આગાહી પર કામ ઝડપી કરવું પડશે.

