Laptop Tips: લેપટોપ ધીમું થઈ ગયું છે? પૈસા ખર્ચ્યા વિના સ્પીડ વધારવા માટે આ ઉપાયો અજમાવો
Laptop Tips: લૅપટોપ ધીમું ચાલી રહ્યું હોય, એપ્લિકેશન્સ ખૂલવામાં સમય લાગી રહ્યો હોય અથવા એકસાથે અનેક કામ કરતી વખતે લૅગ થઈ રહ્યુ હોય તો સૌથી પહેલાં RAM અપગ્રેડ કરવાનો વિચાર આવે છે. જોકે, DDR5 RAMની વધતી કિંમતો અને સપ્લાયની અછતને કારણે આ રીત ખિસ્સા પર ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં કોઈ નવું હાર્ડવેર ખરીદ્યા વિના અને કોઈ પૈસા ખર્ચ્યા વિના તમારા લૅપટોપની કામગીરીને ફરી ઝડપી અને સ્મૂથ બનાવવાના ઉપાયો શોધી શકાય છે. જો તમે પણ આવી જ રીતો શોધી રહ્યા છો તો તમારા માટે આ લેખ ઘણો ઉપયોગી થઈ શકે છે. કેટલીક સરળ સિસ્ટમ સેટિંગ્સ અને યોગ્ય મેમરી મેનેજમેન્ટ દ્વારા તમે તમારા લૅપટોપની સ્પીડ વધારી શકો છો. તેમાં લૅપટોપને રીસ્ટાર્ટ કરવું, બિનજરૂરી સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સને બંધ કરવી અને એક્ટિવિટી મોનિટરનો ઉપયોગ કરવો વગેરે સામેલ છે.
લૅપટોપને કરો રીસ્ટાર્ટ
જ્યારે તમે લૅપટોપને ઘણા દિવસો સુધી બંધ કે રીસ્ટાર્ટ કરતા નથી, ત્યારે તેમાં બિનજરૂરી કચરો અને બૅકગ્રાઉન્ડમાં ચાલી રહેલા કામ એકઠા થતા રહે છે. લૅપટોપને રીસ્ટાર્ટ કરવાથી તે તમામ કચરો સાફ થઈ જાય છે અને તમારી સિસ્ટમ એકદમ ફ્રેશ થઈને ઝડપી ચાલવા લાગે છે.
બિનજરૂરી સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સને બંધ કરો
ઘણી એપ્લિકેશન્સ અને સોફ્ટવેર એવા હોય છે, જે લૅપટોપ ઑન થતાં જ બૅકગ્રાઉન્ડમાં આપમેળે શરૂ થઈ જાય છે. તે બૂટિંગ ટાઇમ વધારે છે અને RAMનો વપરાશ કરે છે. Windowsમાં Ctrl + Shift + Esc દબાવીને ટાસ્ક મેનેજરમાં જાઓ અને સ્ટાર્ટઅપ ટૅબમાંથી એવી એપ્લિકેશન્સને ડિસેબલ કરો, જેની તમને તરત જરૂરિયાત નથી.
ટાસ્ક મેનેજર અથવા એક્ટિવિટી મોનિટરનો ઉપયોગ કરો
Windowsમાં ટાસ્ક મેનેજર અને Macમાં એક્ટિવિટી મોનિટર દ્વારા તમે સરળતાથી જોઈ શકો છો કે કઈ એપ્લિકેશન સૌથી વધુ RAM અને CPUનો વપરાશ કરી રહી છે. ઘણી વખત મેમરી લીક જેવી સમસ્યાઓને કારણે કોઈ એપ્લિકેશન બિનજરૂરી રીતે વધારે RAMનો ઉપયોગ કરવા લાગે છે, જેને તમે ત્યાંથી જ તરત બંધ કરી શકો છો.
બૅકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ અને બ્રાઉઝર ટૅબ્સને નિયંત્રિત કરો
એકસાથે ઘણા બધા બ્રાઉઝર ટૅબ્સ અને હેવી એપ્લિકેશન્સ ખુલ્લી રાખવાથી RAM પર દબાણ પડે છે. Google Chrome અથવા અન્ય બ્રાઉઝર્સમાં ઉપલબ્ધ મેમરી ફીચરનો ઉપયોગ કરો અને જે એપ્લિકેશન્સ પર તમે કામ કરી રહ્યા નથી, તેમને સંપૂર્ણપણે બંધ કરી દો.
જંક ફાઇલો દૂર કરો અને સ્ટોરેજ સ્પેસ ખાલી કરો
જ્યારે તમારા લૅપટોપની RAM સંપૂર્ણપણે ભરાઈ જાય છે, ત્યારે ઑપરેટિંગ સિસ્ટમ તમારા સ્ટોરેજની ખાલી જગ્યાનો ઉપયોગ ‘વર્ચ્યુઅલ મેમરી’ તરીકે કરે છે. તેથી, સિસ્ટમમાંથી ટેમ્પરરી અને જંક ફાઇલો ડિલીટ કરીને સ્ટોરેજમાં પૂરતી ખાલી જગ્યા જાળવી રાખો, જેથી લૅપટોપ સ્મૂથલી કામ કરી શકે.

