LG Gram Laptop 2026: એલજીએ CES 2026 ના આયોજન પહેલા પોતાની નવી ‘ગ્રામ’ (gram) લેપટોપ સિરીઝ રજૂ કરી દીધી છે. ગ્રામ લેપટોપ પોતાની ડિઝાઈન અને કમ્ફર્ટ માટે ઓળખાય છે, અને આ વખતે પણ કંઈક એવું જ રજૂ કરવામાં આવ્યું છે. 17 ઇંચનું એલજી ગ્રામ લેપટોપ દુનિયાનું સૌથી લાઈટવેઈટ (હલકું) RTX લેપટોપ છે. કંપનીએ એઆઈ (AI) ક્ષમતાઓ અને ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીની વિશેષતાઓને બહેતર બનાવી છે. 2026 ની લાઇનઅપમાં યુઝર્સને ડિઝાઈન, પોર્ટેબિલિટીની સાથે ડ્યુરેબિલિટી એટલે કે એક ટકાઉ ડિવાઇસ મળશે અને સિક્યુરિટી ફીચર્સને વધુ સારા બનાવવામાં આવ્યા છે.
એરોમીનિયમ મટિરિયલનો ઉપયોગ
એલજીએ જણાવ્યું છે કે તેના નવા ગ્રામ લેપટોપમાં એરોમીનિયમ (Aerominium) મટિરિયલ વપરાયું છે, જે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું કોમ્બિનેશન છે. આ પ્રકારની બોડી મુખ્યત્વે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. આ બોડીને કારણે ગ્રામ લેપટોપને લાઈટવેઈટ અને મજબૂત બનાવવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે અગાઉના ગ્રામ લેપટોપની સરખામણીમાં નવી સિરીઝ 35 ટકા વધુ સ્ક્રેચ રેઝિસ્ટન્ટ છે. અલ્ટ્રા-લાઈટ ડિઝાઈન હોવા છતાં આ મશીનોમાં મિલિટ્રી-ગ્રેડ ડ્યુરેબિલિટી મળે છે, જેના કારણે 16 ઇંચના એલજી ગ્રામ પ્રો (16-inch LG gram Pro) લેપટોપનું વજન માત્ર 1199 ગ્રામ છે.
ડ્યુઅલ એઆઈ સાથે ક્લાઉડ-બેઝ્ડ પ્રોસેસિંગ
એલજીએ જણાવ્યું છે કે 2026 લાઇનઅપના પસંદગીના લેપટોપમાં ડ્યુઅલ એઆઈ સિસ્ટમનો ઉપયોગ થયો છે, જે ઓન-ડિવાઇસ એઆઈ પ્રોસેસિંગ અને ક્લાઉડ-બેઝ્ડ એઆઈ સર્વિસ પૂરી પાડે છે. આ મોડેલો માઈક્રોસોફ્ટ કોપાયલોટ પ્લસ પીસી (Copilot+ PC) અને એલજી ગ્રામના ‘ચેટ ઓન-ડિવાઇસ એઆઈ’ ને સપોર્ટ કરે છે. આ ઓન-ડિવાઇસ એઆઈ એક નાનું લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) છે, જેની મદદથી ઇન્ટરનેટ વગર પણ ડોક્યુમેન્ટ્સની સમરી બનાવવી, સર્ચ અને ટ્રાન્સલેશન જેવા કામ કરી શકાય છે.
દુનિયાનું સૌથી લાઈટવેઈટ 17 ઇંચ RTX લેપટોપ
17 ઇંચનું એલજી RTX લેપટોપ દુનિયાનું સૌથી હલકું લેપટોપ છે, જેમાં WQXGA રિઝોલ્યુશનવાળી એલસીડી ડિસ્પ્લે છે. તે NVIDIA GeForce RTX 5050 ચિપસેટ અને 8GB GDDR7 રેમ સાથે આવે છે. દાવો છે કે ગ્રાફિક્સના અઘરા કામ, કન્ટેન્ટ ક્રિએશન અને ગેમિંગમાં તે શાનદાર પરફોર્મ કરે છે. આ સિરીઝના તમામ લેપટોપમાં ક્રોસ-પ્લેટફોર્મ કનેક્ટિવિટી છે, એટલે કે તેને એન્ડ્રોઇડ, iOS અથવા webOS ડિવાઇસ સાથે કનેક્ટ કરીને વાયરલેસ રીતે ફાઇલો અને ફોટા શેર કરી શકાય છે. webOS 26 પર ચાલતા એલજી ટીવી અને પ્રોજેક્ટર્સ પણ આની સાથે કનેક્ટ થઈ શકે છે.

