આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી બે ફોરેન્સિક તપાસના રિપોર્ટ બાદ લીલી ઝંડી
દેશની 354 બેંકોમાં હજારો કરોડ રૂપિયાના વ્યવહારો પ્રભાવિત થયા છે.
રવિવારે સાંજે 7:00 કલાકે સી-એજ કંપની સાથે સંકળાયેલ બ્રોન્ટા ટેક્નોલોજીની ઓસ્ટા નામની એપ્લિકેશન પર રેન્સમવેર એટેક થયો હતો. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને આ અંગેની જાણ થઈ ત્યારે આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હુમલાને કારણે ગુજરાતની 21 સહકારી બેંકો સહિત દેશની 354 બેંકોના કામકાજને અસર થઈ હોવાનું કહેવાય છે. ત્રણ દિવસ પછી પણ ડિજિટલ પેમેન્ટ શરૂ થઈ શક્યું નથી. કંપનીના કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેર પર સાયબર એટેકની સમયસર માહિતી મળવાને કારણે કોઈ નાણાકીય નુકસાન થયું ન હતું.

આરબીઆઈએ આ હુમલાની સંપૂર્ણ તપાસ માટે ફોરેન્સિક ઓડિટનો આદેશ આપ્યો હતો, ત્યારપછી એવું કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન શરૂ થશે. જે સોફ્ટવેરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને સાયબર હુમલાની જાણકારી આપવામાં આવી હતી તે ઘણી બેંકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ માહિતી મળ્યા પછી, NPCI દ્વારા તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પછી ફોરેન્સિક ઓડિટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોરેન્સિક કંપનીનો રિપોર્ટ આવી ગયો છે. પરંતુ આરબીઆઈએ અન્ય કંપની પાસેથી ફોરેન્સિક રિપોર્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કંપનીનો રિપોર્ટ બુધવારે મોડી રાત સુધીમાં આવી જશે. આ પછી, ગુરુવાર સવારથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન શરૂ થઈ શકે છે. આ સાયબર હુમલામાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અર્બન કોઓપરેટિવ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે સંકળાયેલી ઘણી નાની બેંકોને અસર થઈ છે. સાયબર હુમલાના કારણે બેંકોના RTGS, UPI, ડિજિટલ ટ્રાન્ઝેક્શન IMPS વગેરેને અસર થઈ છે.
સાયબર હુમલાથી બેંકોને કોઈ નુકશાન નથી, RBIએ તમામ પ્રકારના વ્યવહારો બંધ કર્યાઃ જતિન નાયક
સુરત પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર જતીન નાયકે જણાવ્યું હતું કે સર્વિસ પ્રોવાઈડર કંપનીના સોફ્ટવેરમાં રેન્સમવેર મળી આવતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ચેક ક્લિયરિંગ સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા હતા. આ સાયબર હુમલા સાથે બેંકને કોઈ લેવાદેવા નથી કે બેંકને કોઈ નુકશાન થયું નથી. આરબીઆઈ દ્વારા માત્ર ટ્રાન્ઝેક્શન બંધ કરવામાં આવ્યું હતું. સંભવતઃ ગુરુવાર સવારથી ડિજિટલ વ્યવહારો શરૂ થઈ જશે. બેંકોને સેવાઓ પૂરી પાડતી કંપનીને RBI તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.
ટૂંક સમયમાં તમામ પ્રકારના વ્યવહારો પૂર્વવત થઈ જશેઃ કાનજીભાઈ ભલાડા
સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેંક એસોસિએશનના ડેપ્યુટી હેડ કાનજીભાઈ ભાલાડાએ જણાવ્યું હતું કે, સોફ્ટવેર એટેકની માહિતી મળતાં બેંકનું ક્લિયરિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સાથે બેંકો તેમજ ચેક ક્લીયરિંગ હાઉસ પણ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે ત્રણ દિવસ સુધી ક્લિયરિંગ સહિત તમામ પ્રકારના વ્યવહારો બંધ રહ્યા હતા. ગુજરાત રાજ્ય સહકારી બેંક સાથે સંકળાયેલી ઘણી બેંકોને પણ અસર થઈ છે. લેવડ-દેવડના અભાવે ગ્રાહકોના દસ્તાવેજો સહિત અનેક પ્રકારના કામ અટવાઈ પડ્યા છે. આશા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.

