Telecom Data Usage: Jio, Airtel અને Viના ડેટા વપરાશના આંકડા જાહેર, જાણો કઈ કંપનીના ગ્રાહકો દરરોજ કેટલો ડેટા વાપરે છે

Arati Parmar
3 Min Read
Telecom Data Usage

Telecom Data Usage: ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા (Vi) એ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીઓએ પોતાના ગ્રાહક આધારથી લઈને ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટની વિગતો પણ આપી છે. Viએ જણાવ્યું કે પાછલા ત્રિમાસિક ગાળામાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 19.31 કરોડ (193.1 મિલિયન) હતી, જે હવે વધીને 19.44 કરોડ (194.4 મિલિયન) થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે કંપનીના પોસ્ટપેઇડ ગ્રાહકોની સંખ્યા પણ 3.19 કરોડ (31.9 મિલિયન)થી વધીને 3.39 કરોડ (33.9 મિલિયન) થઈ ગઈ છે, જે પાછલા આશરે સવા બે વર્ષમાં પોસ્ટપેઇડ ગ્રાહકોની સંખ્યામાં સૌથી મોટો વધારો છે. ડેટાનો વપરાશ કરવાની બાબતમાં જિયોના ગ્રાહકો સૌથી આગળ છે. ત્યારબાદ એરટેલ અને પછી Viનો ક્રમ આવે છે. ચાલો, વિગતવાર જાણીએ.

એરટેલના ગ્રાહકો દરરોજ 1.22 GB ડેટા વાપરે છે

એરટેલના આંકડા અનુસાર, કંપનીનો એક ગ્રાહક દર મહિને સરેરાશ 36.5 GB ઇન્ટરનેટ ડેટા વાપરે છે. એટલે કે દરેક ગ્રાહક દરરોજ આશરે 1.22 GB ડેટાનો ઉપયોગ કરે છે. આના કારણે કંપનીની આવકમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન એરટેલના નેટવર્ક પર કુલ 3,335.8 કરોડ GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ થયો હતો.

- Advertisement -

જિયોના ગ્રાહકો સૌથી આગળ છે

હવે જો Jioની વાત કરીએ તો કંપનીના આંકડા અનુસાર, જિયોનો એક ગ્રાહક દર મહિને સરેરાશ 44.2 GB એટલે કે દરરોજ આશરે 1.47 GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે. આ ત્રિમાસિક ગાળામાં જિયોના નેટવર્ક પર કુલ 71.3 બિલિયન GB ડેટાનો વપરાશ થયો હતો. બીજી તરફ, સપ્ટેમ્બર 2026 સુધીમાં જિયોના 5G ગ્રાહકોની સંખ્યા 300 મિલિયનને પાર પહોંચી ગઈ છે, જેમાં પાછલા 12 મહિનામાં 66 મિલિયન નવા ગ્રાહકો જોડાયા છે. હવે જિયાના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો આશરે 56 ટકા હિસ્સો માત્ર 5G નેટવર્કમાંથી આવે છે.

Vi ત્રીજા ક્રમે છે

બીજી તરફ, વોડાફોન આઇડિયા (Vi)ના આંકડા અનુસાર, કંપનીનો દરેક 4G/5G ગ્રાહક દર મહિને સરેરાશ 23 GB ડેટાનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ છે કે કંપનીનો દરેક ગ્રાહક દરરોજ આશરે 767 MB ડેટાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન Viના નેટવર્ક પર દરરોજ સરેરાશ 93.6 પેટાબાઇટ (PB) એટલે કે આશરે 9.36 કરોડ GB ડેટાનો વપરાશ થયો હતો. આંકડા પરથી સ્પષ્ટ દેખાય છે કે ઇન્ટરનેટના ઉપયોગની બાબતમાં જિયોના ગ્રાહકો એરટેલ અને Vi કરતાં આગળ છે.

- Advertisement -
Share This Article