Trump YouTube Settlement: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક મહત્ત્વની જીત મળી છે. તેમના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના કેસમાં હવે યુટ્યુબે સમાધાન કર્યું છે અને તેના ભાગરૂપે ટ્રમ્પને 24.5 મિલિયન ડૉલર (અંદાજે 217 કરોડ રૂપિયા) ચૂકવાશે. યુટ્યુબ સામે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા કેસના સમાધાન સ્વરૂપે તેમને આટલી મોટી રકમ મળી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આવા જ કેસમાં મેટા અને X તરફથી ટ્રમ્પને કરોડો રૂપિયાનું વળતર પ્રાપ્ત થયું હતું.
શું હતો આખો મામલો?
વર્ષ 2021માં અમેરિકન સંસદ ભવન પર થયેલા હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ હુમલા દરમિયાન સંસદમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ ઘૂસી ગયા હતા અને ભારે તોડફોડ કરી હતી. આ માટે ટ્રમ્પની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સને જવાબદાર ઠેરવવામાં આવી હતી, જેમાં તેમણે વોટિંગમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા. આ મોટી ઘટના બાદ મેટા, X અને યુટ્યુબે ઘણા દિવસો માટે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા.
ટ્રમ્પે કર્યો હતો કેસ
આથી એકાઉન્ટ સસ્પેન્ડ થવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે મેટા, X અને યુટ્યુબ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસના સમાધાન માટે મેટાએ 25 મિલિયન ડૉલર અને X એ 10 મિલિયન ડૉલર ચૂકવ્યા હતા અને હવે, ગુગલની માલિકીના યુટ્યુબે સમાધાનના ભાગરૂપે તેમને 24.5 મિલિયન ડૉલરની રકમ આપી છે. કુલ મળીને, ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં આ કેસ થકી 80 મિલિયન ડૉલરથી વધુ રકમ મળી ચૂકી છે.
આ પૈસાનું શું થશે?
કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ, સમાધાનની રકમમાંથી 22 મિલિયન ડૉલર ‘નેશનલ મૉલ’ના ટ્રસ્ટને આપવામાં આવશે અને બાકીના પૈસા અમેરિકન કન્ઝર્વેટિવ યુનિયન સહિત કેસ કરનારા લોકોને મળશે. ટૂંકમાં, ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જંગી વળતર વસૂલ્યું છે.
સુનાવણી પહેલા જ સમાધાન
એકાઉન્ટ સસ્પેન્શન અંગેની સુનાવણી શરૂ થાય તે પહેલાં જ, યુટ્યુબની માલિક ગૂગલે સમાધાન કરવાનું પસંદ કર્યું. અહેવાલ મુજબ આ કેસની સુનાવણી 6 ઓક્ટોબરે નિર્ધારિત હતી, પરંતુ ગૂગલે વહેલાસર 24.5 મિલિયન ડૉલરનું સમાધાન કરી લીધું. જોકે, ગૂગલે આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાનો ઇનકાર કર્યો છે.

