Laptop Keyboard Troubleshooting: લેપટોપનું કીબોર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે તો ઘણી મુશ્કેલી પડે છે. તમે કામ કરી રહ્યા હોવ અને અચાનક કોઈ એક Key ન ચાલે અથવા આખું કીબોર્ડ જ બંધ થઈ જાય, તો આખું કામ અટકી જાય છે. ઘણીવાર એવું બને છે કે કીબોર્ડ અથવા કોઈ Key ખરાબ થઈ જાય છે અને તમે ટેકનિશિયન પાસે જવાનું વિચારતા હશો. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં આ કોઈ મોટી સમસ્યા હોતી નથી. તમે પોતે કેટલાક રસ્તાઓ અજમાવી શકો છો, જેનાથી તમારું કીબોર્ડ ઠીક થઈ શકે છે. તમે સર્વિસ સેન્ટર જાઓ તે પહેલાં, આ કેટલાક સરળ ઉપાયો કરી જુઓ. આ રીતો મોટાભાગની સમસ્યાઓને ઠીક કરી દે છે.
લેપટોપને રીબૂટ કરો
ઘણીવાર નાની-મોટી ખામી માત્ર લેપટોપને બંધ કરીને ફરી ચાલુ કરવાથી ઠીક થઈ જાય છે. આ સૌથી સરળ રીત છે. જો માઉસ કે ટ્રેકપેડથી લેપટોપ બંધ ન કરી શકતા હોવ, તો પાવર બટનને ૧૦-૧૫ સેકન્ડ સુધી દબાવી રાખો. લેપટોપ બંધ થઈ જશે. પછી તેને ફરીથી ચાલુ કરો. જો આનાથી ઠીક ન થાય તો ‘સેફ મોડ’ (Safe Mode) માં ચાલુ કરીને જુઓ. સેફ મોડમાં માત્ર જરૂરી વસ્તુઓ જ ચાલે છે. આનાથી ખબર પડે છે કે સમસ્યા હાર્ડવેરની છે કે સોફ્ટવેરની. વિન્ડોઝ કે મેકમાં સેફ મોડમાં જવાની રીત અલગ-અલગ હોય છે.
કીબોર્ડને સાફ કરો
મોટાભાગે કીબોર્ડમાં સમસ્યા ગંદકીને કારણે હોય છે. લેપટોપને ૪૫ થી ૭૫ ડિગ્રીના એન્ગલ પર પકડીને બરાબર હલાવો. ખાવાના ટુકડા કે ધૂળ નીચે પડી જશે. પછી તેજ હવાથી કીબોર્ડને સાફ કરો. જો કોઈ બટન ચીકણું થઈ ગયું હોય, તો રૂમાલ પર થોડું સાબુનું પાણી અથવા રબિંગ આલ્કોહોલ લગાવીને સાફ કરો, સીધું કીબોર્ડ પર ન નાખો. જો કીબોર્ડ પાણીથી ખરાબ થયું હોય, તો તેને જાતે ઠીક કરવું મુશ્કેલ છે. એવા સમયે સર્વિસ સેન્ટર જઈને નવું કીબોર્ડ લગડાવો.
કીબોર્ડ ડ્રાઈવર ઠીક કરો
ક્યારેક કીબોર્ડનું ડ્રાઈવર ખરાબ થઈ જાય છે. વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનુ ખોલીને ‘ડિવાઈસ મેનેજર’ સર્ચ કરો. કીબોર્ડ સેક્શનમાં જાઓ. જો કોઈ પીળી નિશાની દેખાય, તો સમજવું કે સમસ્યા છે. કીબોર્ડ પર રાઈટ ક્લિક કરીને ‘અનઇન્સ્ટોલ’ (Uninstall) કરો. લેપટોપ ફરી ચાલુ કરો, વિન્ડોઝ જાતે જ ડ્રાઈવર ઈન્સ્ટોલ કરી દેશે. જો ઠીક ન થાય તો લેપટોપ કંપનીની વેબસાઈટ પરથી નવું ડ્રાઈવર ડાઉનલોડ કરો. મેક (Mac) માં સિસ્ટમ સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ ચેક કરો અને પાવર બટન ૧૦ સેકન્ડ દબાવી રાખીને રીસેટ કરો.
બેટરી કાઢીને તપાસ કરી લો
કેટલાક લેપટોપમાં બેટરી કીબોર્ડની નીચે હોય છે. જો બેટરી ફૂલી જાય તો કીબોર્ડ પર દબાણ આવે છે. તપાસો કે લેપટોપ ક્યાંયથી ફૂલેલું તો નથી ને? જો બેટરી નીકળી શકે તેવી હોય, તો લેપટોપ બંધ કરીને તેને કાઢો. માત્ર ચાર્જર લગાવીને લેપટોપ ચાલુ કરો. જો કીબોર્ડ ચાલવા લાગે, તો બેટરી બદલાવી નાખો. હંમેશા કંપનીની ઓરિજિનલ બેટરી જ લેવી. આ સમસ્યા જૂના લેપટોપમાં વધુ જોવા મળે છે.
કનેક્શન ઠીક કરો
જો લેપટોપ ક્યાંક અથડાયું હોય કે પડ્યું હોય તો કીબોર્ડનું કનેક્શન ઢીલું થઈ શકે છે. જો તમે લેપટોપને અંદરથી સમજી શકતા હોવ, તો તેને ખોલીને રિબન કેબલ ફરીથી જોડો. આ માટે કંપનીની વેબસાઈટ પર આપેલી સૂચનાઓ જુઓ, નહીંતર તેને સર્વિસ સેન્ટર લઈ જાઓ.

