નવી દિલ્હી, તા. 11 : સંસદમાં મુદ્દો ઊઠયા બાદ અગ્નિવીરની ભરતીનો વિષય દેશમાં ચર્ચામાં છે, ત્યારે અગ્નિવીરો માટે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા પદ અર્ધલશ્કરી દળોમાં અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફના વડાઓએ આજે પોતપોતાના દળોમાં પૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા અનામતની જાહેરાત કરી હતી. સીમા સુરક્ષા દળ (બીએસએફ) તેમજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ) દ્વારા તૈયારી શરૂ કરી દેવાઇ છે.

આ મામલે બીએસએફના મહાનિર્દેશક નીતિન અગ્રવાલે કહ્યું હતું કે, અમે સૈનિક તૈયાર કરીએ છીએ અને તેનાથી બહેતર કંઈ હોઈ ન શકે. આનાથી બધા દળોને ફાયદો થશે. પૂર્વ અગ્નિવીરોને ભરતીમાં 10 ટકા અનામતનો લાભ મળશે. પૂર્વ અગ્નિવીરો પાસે ચાર વર્ષનો અનુભવ હોય છે. તેઓ દળોના શિસ્તથી ઘડાયેલા હોય છે. સીઆઈએસએફના મહાનિર્દેશક નીનાસિંહે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રીય સશત્ર દળોમાં પૂર્વ અગ્નિવીરોને ભરતી માટે મોટું પગલું ભર્યું છે. આના માટે સીઆઈએસએફમાં તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
કોન્સ્ટેબલોની 10 ટકા ખાલી જગ્યામાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યા આરક્ષિત રહેશે. આ સાથે જ તેમને શારીરિક દક્ષતાની પરીક્ષામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. ખાસ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અગ્નિપથ અને અગ્નિવીર યોજનાઓના વિપક્ષ દ્વારા વિરોધ સાથે સંસદમાં ભારે ધમાલ મચી ગઇ હતી. આ હંગામા બાદ દેશના સંરક્ષણ મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો હતો. પૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામતની સાથોસાથ શારીરિક માપદંડ વયમર્યાદામાં પણ છૂટછાટ અપાશે.

