પૂણે, તા. 26 : છેલ્લાં 12 વર્ષથી ભારત ઘરઆંગણે રમાયેલી એકેય ટેસ્ટ શ્રેણી હાર્યું નહોતું, પરંતુ 2024માં ન્યૂઝીલેન્ડે આ પરંપરાને સમાપ્ત કરી છે. કિવી ટીમે પહેલાં બેંગ્લોર ખાતે આઠ વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ પૂણેમાં ભારતને 113 રન સાથે પરાજિત કરીને 2-0થી શ્રેણી કબજે કરી છે. કોઇપણ ટીમ પરાજિત થાય છે, ત્યારે હંમેશાં વરિષ્ઠ ક્રિકેટરો પર ઠીકરું ફોડાય છે, પણ ભારતના કિસ્સામાં વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત કોચ ગૌતમ ગંભીરનો પણ વાંક હોવાનું સમજાય છે.
ભારતની હારમાં સૌથી મહત્ત્વનું કારણ ટીમની આક્રમક શૈલી મનાય છે. પ્રશિક્ષક ગંભીરને તેની આક્રમક શૈલી માટે ઓળખાય છે. ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ પહેલાં અને સિરીઝ દરમ્યાન ગંભીરે જણાવ્યું હતું કે, તેઓ માત્ર વિજયી થવા પર ધ્યાન આપે છે. ભલે ગમે તે રીતે રમવું પડે. ઇંગ્લેન્ડ પણ તેવી જ આક્રમકતા સાથે મેચ રમતું આવ્યું છે. જેને `બેઝબોલ’ પણ કહે છે, પરંતુ આક્રમક શૈલીનાં કારણે ઇંગ્લેન્ડ આજે (ડબલ્યુટીસી) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં છઠ્ઠાં સ્થાને છે અને ફાઇનલની નજીક પણ નથી.
આ હારથી શીખ લઇને ગૌતમ ગંભીરે આક્રમકતાના બદલે સૂઝબૂઝ?વડે રમીને સ્થાન મેળવવું પડશે. ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું કે ટીમ ઈન્ડિયા વગર તૈયારીએ ટેસ્ટ શ્રેણી રમવા ઉતરી હતી. ટોચના બેટધરો કન્ડીશનિંગ કેમ્પમાં પુરતો સમય વીતાવતી નથી. એટલે જ બાંગલાદેશ સામે સંઘર્ષ કરવો પડયો હતો. અને કિવી સામે તદન શરણાગતિ સ્વીકારી લીધી હતી. સરફરાઝ ખાને બેંગ્લોર ટેસ્ટમાં ચોથા ક્રમે બેટિંગ કરીને સદી લગાવી હતી, પરંતુ બીજી ટેસ્ટમાં શુભમન ગિલની વાપસી સરફરાઝને સાતમે ક્રમાંકે બેટિંગ કરવા મોકલાવ્યો હતો.
એ નિર્ણયની પણ ટીકા થઇ રહી છે. ભારતની પહેલી ઇનિંગ્સ 156 રન પર વિંટાઇ ગઇ હતી. ટીમ પહેલાંથી જ ખરાબ સ્થિતિમાં હતી અને દાવને સ્થિરતા આપવાની જરૂર હતી, પણ કોચ દ્વારા સરફરાઝની બેટિંગનો ક્રમ બદલવાનો વ્યૂહ અસરકારક સાબિત થયો નહીં, જ્યારે જયસ્વાલ આક્રમક રમતો હતો. ત્યારે સામે છેડે ગિલે સંભાળીને રમવું જોઇએ એ જ રીતે રોહિત અને વિરાટે પણ સ્પિનરો સામે રમવાની ટેકનિકમાં કોઇ જ બદલાવ કર્યો નહીં. રિષભ પંતનું રનઆઉટ થવું પડયા પર પાટુ સમાન બની રહ્યંy.

