IIT Faculty Shortage: દેશની પ્રમુખ એન્જિનિયરિંગ સંસ્થાઓ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) મોટા પાયે ફેકલ્ટીની અછતનો સામનો કરી રહ્યા છે. એક તરફ આ સંસ્થાઓ પોતાના કેમ્પસનો વિસ્તાર કરી રહ્યા છે, વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહ્યા છે અને નવા કોર્સ શરૂ કરી રહ્યા છે, તો બીજી તરફ આટલા મોટા પાયે ફેકલ્ટી પદોનું ખાલી હોવું તે ચિંતાજનક સ્થિતિ તરફ સંકેત કરે છે.
હાલમાં જ જાહેર થયેલા આંકડાઓ અનુસાર દેશના 23 આઈઆઈટી સંસ્થાઓમાં કુલ 12,498 ફેકલ્ટી પદો મંજૂર છે અને તેમાંથી 4,804 પદ ખાલી છે એટલે કે કુલ 38 ટકા પદ ખાલી છે, જેનો મતલબ છે કે દર પાંચમાંથી બે પદ ખાલી છે.
એક ડેટા વિશ્લેષણથી ખબર પડી છે કે દેશની માત્ર નવ આઈઆઈટી સંસ્થાઓએ ફેકલ્ટીની ખાલી જગ્યાઓની જાતિ-આધારિત વિગત આપી છે, જ્યારે બાકીનાએ માત્ર કુલ આંકડા જણાવ્યા છે. આ નવ સંસ્થાઓમાં ખાલી પડેલા 1,501 પદોમાંથી 888 પદ (લગભગ 60%) ‘અનુસૂચિત જાતિ’ (એસસી), ‘અનુસૂચિત જનજાતિ’ (એસટી) અને ‘અન્ય પછાત વર્ગ’ (ઓબીસી) શ્રેણીના હતા.
આંકડાઓના ઝીણવટભર્યા વિશ્લેષણમાં સામે આવ્યું કે કુલ જણાવેલી ખાલી જગ્યાઓમાંથી લગભગ એક-તૃતીયાંશ માત્ર ઓબીસીમાંથી છે. આ સંખ્યા ‘સામાન્ય’ શ્રેણીના 443 ખાલી પદો કરતા ઘણી વધારે છે. બીજી તરફ, એસસીના 261 મંજૂર પદ ખાલી છે, જ્યારે ‘આર્થિક રીતે નબળા વર્ગ’ (ઈડબલ્યુએસ) અને એસટી માટે ક્રમશઃ 170 અને 150 પદ ખાલી હતા.
શ્રેણી મુજબ મળેલા આંકડાઓથી ચિંતાજનક ટ્રેન્ડની જાણ થાય છે, પરંતુ આ ઉપરાંત પણ આઈઆઈટી સંસ્થાઓમાં ફેકલ્ટીની ભારે અછત એક મોટી સમસ્યાને દર્શાવે છે.
વિશ્લેષણ અનુસાર, આઈઆઈટી પટના અને આઈઆઈટી ખડગપુર સહિત ઘણી સંસ્થાઓમાં ખાલી પદોનો દર 50% થી વધારે જોવા મળ્યો છે, જ્યારે 12 થી વધારે આઈઆઈટીમાં મંજૂર કરવામાં આવેલા પદોમાંથી એક-તૃતીયાંશથી વધારે પદ ખાલી પડ્યા હતા.
આ ચિંતાજનક સ્થિતિ હોવા છતાં આઈઆઈટી વહીવટીતંત્રનું કહેવું છે કે ભરતીની પ્રક્રિયા જાણીજોઈને ખૂબ કડક રાખવામાં આવે છે.
અખબારના પૂછવા પર આ સંસ્થાનના નિર્દેશકોનું કહેવું હતું કે આ ખાલી પદોનું કારણ કાબેલ પીએચડી ઉમેદવારો માટે ઝડપથી વધતા ‘વૈશ્વિક સ્પર્ધાત્મક તકો’ છે, કારણ કે ટોપ રિસર્ચર અવારનવાર આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો, મલ્ટીનેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીઝ અને ડીપ-ટેક કંપનીઓમાં કામ કરવાનું પસંદ કરે છે.
તેમણે એમ પણ કહ્યું કે સંસ્થાઓની ‘ઉચ્ચ પસંદગી પ્રક્રિયા’ ના કારણે યોગ્ય ઉમેદવારો મળવા સુધી પદ ખાલી જ રહી જાય છે.
રિપોર્ટમાં એક મહત્વની વાત એ જણાવવામાં આવી છે કે ભરતીના ડેટામાં પારદર્શિતાનો અભાવ છે. માત્ર નવ આઈઆઈટીએ જાતિ આધારિત ખાલી જગ્યાઓનો ડેટા જાહેર કર્યો, જેનાથી પ્રતિનિધિત્વની સ્થિતિનું સંપૂર્ણ આકલન કરવું મુશ્કેલ છે. આ વાત આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે કે એકલા આઈઆઈટી સંસ્થાઓના બે-તૃતીયાંશ ડેટાથી જ દેશની પ્રમુખ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં સમાવેશી ભરતીની આટલી ખરાબ સ્થિતિની ખબર પડે છે.
અખબાર સાથે વાત કરતા ફેકલ્ટી સભ્યોએ કહ્યું કે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાની પ્રક્રિયામાં વધારે પારદર્શિતા હોય તો લાંબા સમયથી ખાલી પડેલા પદોને ભરવામાં મદદ મળી શકે છે.
આઈઆઈટી રૂરકીના એક ફેકલ્ટી સભ્યએ કહ્યું, ‘સરકાર આરક્ષણ નક્કી કરે છે, પરંતુ શોર્ટલિસ્ટ કરવાની પ્રક્રિયા મોટાભાગે વિભાગીય સ્તરે હોય છે. સ્ક્રીનિંગના નિયમો વધારે સ્પષ્ટ અને પારદર્શક હોવા જોઈએ.’
આ વાત સાથે સહમત થતા એક બીજા સભ્યએ કહ્યું કે સ્ક્રીનિંગ માટે કોઈ એક સમાન નિયમ ન હોવાને કારણે ભરતીના પરિણામો અવારનવાર અલગ-અલગ વિભાગની સમિતિઓ અને મૂલ્યાંકન કરનારાઓ પર નિર્ભર કરે છે, જેનાથી અલગ-અલગ સંસ્થાઓમાં કામ કરવાની રીતોમાં તફાવત આવી જાય છે.
રિપોર્ટ મુજબ, ઘણી આઈઆઈટી સંસ્થાઓએ ફેકલ્ટીની અછતની મોટી કટોકટીનો સામનો કરવા માટે વર્ષભર ભરતી, મિશન-મોડમાં હાયરિંગ, સ્પેશિયલ હાયરિંગ ડ્રાઈવ અને રિસર્ચ ગ્રાન્ટને મજબૂત કરવા, લેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, આંતરરાષ્ટ્રીય સહયોગીઓને પ્રોત્સાહન આપવા અને વિઝિટિંગ તથા એડજંક ફેકલ્ટીને સામેલ કરવા જેવા ઉપાયો અપનાવ્યા છે.
છતાં ડેટાથી ખબર પડે છે કે આ સંસ્થાઓમાં ફેકલ્ટી પસંદગી પરની વાતચીત માત્ર ખાલી શૈક્ષણિક પદોની કુલ સંખ્યા કે કાબેલ રિસર્ચર્સની અછત સુધી જ સીમિત નથી, પરંતુ તેમાં જાતિગત ઓળખનું એક મહત્વનું પાસું પણ સામેલ છે, જેના પર હજુ સુધી યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી.
રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં આરક્ષિત શ્રેણીના ખાલી પદોની મોટી સંખ્યામાં હોવું એક મહત્વનું અને ચિંતાજનક પાસું છે, ખાસ કરીને ભારત જેવા સમાજમાં, જ્યાં સામાજિક સ્તરોમાં ખૂબ વધારે અલાયદાપણું છે.

