અમદાવાદ, તા. 25 : રાજ્ય સરકારનાં ખાતાંમાં વર્ષને અંતે રહેતી સિલકની રકમને નક્કી કર્યા મુજબની સરકારી સંસ્થામાં રોકાણ કરવાની થાય છે અને તે રીતે તેના ઉપર વ્યાજની આવક ઊભી કરાય છે. ગુજરાત સરકારે વર્ષ 2018-19થી વર્ષ 2022-23 સુધીના પાંચ વર્ષમાં આ સિલકનું રોકાણ કરીને કુલ 138 કરોડનું વ્યાજ મેળવ્યું હતું. અહીં સુધીની વાત તો નિયમાનુસારની હતી. હવે સીધીસાદી સમજ એ છે કે, જ્યારે રાજ્ય સરકાર પાસે તેનાં બચત ખાતાંમાં કરોડોની સિલક રહેતી હોય અને તેને અન્યત્ર રોકાણ કરીને વ્યાજની આવક મેળવાતી હોય, પછી સરકારને બજારમાંથી લોન લઈને વ્યાજની ચૂકવણીનો ભાર શા માટે ઉઠાવવો પડે ? કેગના અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે, આ પાંચ વર્ષના અંતે રાજ્ય સરકાર પાસે 25,423 કરોડની બંધ સિલક રહેતી હતી અને આમ છતાં સરકાર આ પાંચ વર્ષ દરમ્યાન બજારમાંથી લોન મેળવીને વર્ષના અંતે બાકી રહેતી લોન ઉપર કુલ 19,708 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું.

આ તો ક્યા પ્રકારનું નાણાકીય વ્યવસ્થાપન કહેવાય ? ગુજરાત સરકારનાં બચત ખાતાંમાં 2018-19ના વર્ષમાં કુલ 6,896 કરોડની સિલક જમા હતી. આમ છતાં સરકારે જાહેર બજારીમાંથી 36,971 કરોડની લોન લીધી હતી. એવી જ રીતે વર્ષ 2019-20માં સરકારની સિલકમાં 3,452 કરોડનો વધારો થયો હતો અને સરકારની સિલક 10,348 કરોડની થઈ ગઈ હતી, છતાં સરકારે તે વર્ષમાં 38,900 કરોડની લોન લીધી હતી. વર્ષ 2020-21માં સરકારની સિલકમાં 124 કરોડના વધારા સાથે કુલ સિલક 10,472 કરોડની હતી, પણ તે વર્ષમાં પણ સરકારે 44,780 કરોડની લોન લીધી હતી. વર્ષ 2021-22માં સરકારની સિલકમાં 2,356 કરોડનો વધારો નોંધાયો હતો અને કુલ સિલક રૂા. 12,828 કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે વર્ષમાં પણ સરકારે 31,054 કરોડની લોન લીધી હતી. વર્ષ 2022-23માં સરકારની સિલક 12,595 કરોડના વધારા સાથે કુલ સિલક 25,423 કરોડની થઈ ગઈ હતી. આમ છતાં સરકારે તે વર્ષમાં પણ 43,000 કરોડની લોન લીધી હતી. રાજ્ય સરકારનાં આવાં વલણથી તેને તેની સિલકોનાં રોકાણથી પાંચ વર્ષમાં કુલ 138 કરોડની વ્યાજની આવક તો થઈ હતી, પરંતુ તેની સામે સરકાર દ્વારા બજારમાંથી લોન મેળવાતાં સરકારને તેના ઉપર 19,708 કરોડનું વ્યાજ પણ ચૂકવવું પડ્યું હતું.

