નવી દિલ્હી, તા. 11 : વચગાળાના જામીન પર તિહાડ જેલમાંથી છૂટેલા દિલ્હીના મુખ્યમંત્રી-આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે શનિવારે એક ચોંકાવનારો દાવો કરીને રાજકારણ ગરમાયું છે. કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપા જો ત્રીજીવાર જીતી તો નરેન્દ્ર મોદી એક વર્ષ માટે જ વડાપ્રધાન પદે રહેશે ત્યાર બાદ અમિત શાહને વડાપ્રધાન બનાવશે અને યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી પદેથી હટાવાશે. સાથે તેમણે સવાલ કર્યો કે, વડાપ્રધાન મોદી આવતાં વર્ષે 7પ વર્ષના થવાના છે પછી શું તેઓ નિવૃત્તિ લેશે ? વડાપ્રધાન મોદીની 7પ વર્ષની ઉંમર બાદ નિવૃત્તિ અંગે કેજરીવાલે કરેલા દાવાને ફગાવી દેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યંy કે, 7પ વર્ષની ઉંમર બાદ કોઈ વડાપ્રધાન પદે ન રહી શકે તેવું ભાજપનું બંધારણ કહેતું નથી. નરેન્દ્ર મોદી ચૂંટણી જીતીને ત્રીજીવાર ભાજપ તરફથી વડાપ્રધાન બનશે અને આગળ પણ તેઓ જ સુકાની રહેશે.

ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ કહ્યું હતું કે, મોદી જ વડાપ્રધાન પદે સરકારનું નેતૃત્વ કરતા રહેશે. અમિત શાહે હૈદરાબાદમાં પત્રકારોને કહ્યું હતું કે હું અરાવિંદ કેજરીવાલ એન્ડ કંપની તેમજ સમગ્ર ઈન્ડી જોડાણને કહેવા માંગુ છું કે મોદીજી 75 વર્ષના થઈ રહ્યા છે, તેનાથી ખુશ થવાની કોઈ જરૂર નથી. ભાજપના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી. મોદીજી જ આ કાર્યકાળ પૂર્ણ કરશે. મોદીજી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપમાં કોઈ મૂંઝવણ નથી. કેજરીવાલે જણાવ્યું હતું કે તે લોકો ઈન્ડિયા જોડાણના વડાપ્રધાન ચહેરા વિશે પૂછી રહ્યા છે હું, ભાજપને પૂછું છું કે તેમના પીએમ કોણ હશે? મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરના 75 વર્ષના થઈ રહ્યા છે. તેઓએ 75 વર્ષને નિવૃત્તિ સીમા બનાવેલી છે. તેઓએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજનને નિવૃત્ત કર્યા?છે.
