મોદીને પાકિસ્તાને આપ્યું આમંત્રણ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 25 : પાકિસ્તાન ઓક્ટોબરમાં સરકારના પ્રમુખોની પરિષદ (સીએચજી)ની બેઠકની યજમાની કરી રહ્યું છે. આ બેઠકમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી ઉપરાંત શંઘાઈ સહયોગ સંગઠનના બીજા નેતાઓને પણ આમંત્રણ છે. અત્યારસુધીના સંબંધો અને સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો પીએમ મોદી ઈસ્લામાબાદ જાય તેવી કોઈ શક્યતા નથી. તેવામાં શું બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ મંત્રીને મોકલવામાં આવશે કે નહી તેના ઉપર નજર છે.pakistan flag

પાકિસ્તાનમાં 15-16 ઓક્ટોબરે આ બેઠક યોજાશે. સીએચજીની યજમાની વારાફરતી એકબીજા દેશો પાસે હોય છે. જે યુરેશિયન સમૂહના દેશોના પ્રમુખોની પરિષદ બાદ બીજું સૌથી મોટું નિર્ણયો લેનારું એકમ છે. પીએમ મોદી રાજ્ય પ્રમુખોનાં શિખર સંમેલનમાં નિયમિત રીતે સામેલ થતા રહે છે. જો કે ગયા વખતે કજાકિસ્તાનમાં થયેલી બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. તેની જગ્યાએ વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા વર્ષે બેઠકમાં જોડાયા હતા.

- Advertisement -

ભારત સરકારે અત્યારસુધીમાં એસસીઓ સીએચજી બેઠક અંગે પીએમ મોદીને પાકિસ્તાનનાં નિમંત્રણ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જમ્મુમાં છેલ્લા અમુક સમયમાં થયેલા આતંકવાદી હુમલા પાકિસ્તાનમાં થનારી કોઈપણ ઉચ્ચ સ્તરીય અથવા તો મંત્રી સ્તરીય યાત્રા માટેનો માહોલ ડહોળી શકે છે. ગયા મહિને કારગીલ વિજય દિવસ ઉપર મોદીએ પાકિસ્તાનનું નામ લઈને કહ્યું હતું કે તેણે ઈતિહાસમાંથી કંઈ પણ શીખ્યું નથી. પાકિસતાનનો પ્રવાસ કરનારા અંતિમ વખત ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતાં. તેઓ 2015માં પાકિસ્તાન ગયાં હતાં.

Share This Article