નવી દિલ્હી, તા. 14 : તહેવારી મોસમમાં ખાસ કરીને શાકભાજી સહિત ખાવા-પીવાની ચીજોની કિંમતો વધતાં સામાન્ય માણસને મોંઘવારીનો ઝાટકો મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 1.84 ટકા થઇ ગઇ છે. બીજી તરફ, ખરાબ હવામાન અને શાકભાજી મોંઘાં થતાં છૂટક મોંઘવારી પણ વધીને 5.49 ટકા સાથે નવ મહિનાની ટોચે પહોંચી ગઇ છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ આંક આધારિત મોંઘવારીનો દર 1.41 ટકા હતો. વિતેલાં વર્ષનાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 0.07 ટકા ઘટી હતી. સરકારે સોમવારે જારી કરેલા આંકડા અનુસાર ખાદ્ય મોંઘવારી સપ્ટેમ્બરમાં વધીને 11.53 ટકા થઇ ગઇ છે તેવું જાણવા મળે છે. સપ્ટેમ્બરમાં શાકભાજીની મોંઘવારી ભીષણ વધારા સાથે 48.73 ટકા વધી હતી. બટેટાની મોંઘવારી 78.13 ટકા, ડુંગળીની 78.82 ટકાની ટોચે હતી. દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2024માં મુખ્યત્વે ખાદ્યપદાર્થો, ઉત્પાદનો, મોટર, વાહનો, ટ્રેલર નિર્માણ, મશીનરી, ઉપરકરણ નિર્માણની કિંમતો વધતાં મોંઘવારી વધી છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ખાદ્ય મોંઘવારી વધીને 9.47 ટકા પર પહોંચી ગઇ છે. ઓગસ્ટ મહિનામાં 3.26 ટકા હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) નાણાંનીતિ ઘડતી વખતે છૂટક મોંઘવારીને ધ્યાનમાં રાખે છે. આ મોંઘવારી વધે તો લોન સસ્તી થવાની આશા હજુ ફળી શકવાની નથી.

