નીતિ આયોગની બેઠકમાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર વાદવિવાદ

Reena Brahmbhatt
6 Min Read

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક શાસક-વિપક્ષના ગજગ્રાહનું કેન્દ્ર બની હતી. `ભેદભાવ’ અને ભાષણને અધવચ્ચે અટકાવી દેવાના આરોપ સાથે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચાલુ બેઠકનો બહિષ્કાર કરતાં શાસક ભાજપ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. જો કે, પીઆઈબી (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો)એ તેમના દાવાનું ખંડન કર્યું હતું.

mamata bennerjee

- Advertisement -

જો કે,?બિહારના સીએમ નીતીશકુમારની ગેરહાજરીએ પણ ધ્યાન ખેંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ શાસિત આઠ રાજ્યના મુખ્યમંત્રી બેઠકનો અગાઉ જ બહિષ્કાર કરી ઉપસ્થિત રહ્યા ન હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે નીતિ આયોગની બેઠકને `દેખાડો’ ગણાવી તેની કામ કરવાની પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના પ્રહારો સામે ભાજપના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે, બેઠકમાં હાજર ન રહી વિપક્ષે હકીકતમાં તેમના શાસિત રાજ્યના લોકોનો દ્રોહ કર્યો છે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામને મમતાના આરોપોને જૂઠ ગણાવીને કહ્યું કે, મમતા જૂઠું બોલી રહ્યાં છે. તેમનું માઈક બંધ કરાયું ન હતું. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે મમતાને ક્રમથી અગાઉ બોલવા તક અપાઈ હોવાની અને તેમને ફાળવાયેલા સમયનું ભાષણ તેમણે પૂરું કર્યાની સ્પષ્ટતા કરી હતી. જો કે, મમતા બેનરજીએ મિટિંગમાંથી વોકઆઉટ કરીને એક રીતે દર્શાવી દીધું છે કે, બજેટમાં વિપક્ષી રાજ્યો સાથે ભેદભાવ સામે વિરોધ દર્શાવવામાં એ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ કરતાં એક પગલું આગળ છે. કારણ કે, તેમણે બેઠકનો બહિષ્કાર કરવાની કોંગ્રેસની અપીલની પરવા ન કરી અને મિટિંગમાં હાજર રહી વિપક્ષની મહત્ત્વની જગ્યા મેળવી લીધી. ઉપરાંત પોતે બોલી રહ્યા હતા ત્યારે માઈક બંધ કરવામાં આવ્યું હોવાના મુદ્દેઁ બેઠકનો બહિષ્કાર કરી ધ્યાન પણ ખેંચ્યું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદો તેમના મુખ્ય પ્રધાનને બોલતા અટકાવાયાના મુદ્દે અને પ.બંગાળ સાથે કેન્દ્રના ભેદભાવના વિરોધમાં સોમવારે સંસદભવનની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કરશે, એવું પણ જાણવા મળ્યું છે.

જો કે, માઈક્રોફોન બંધ કરીને પોતાનો અવાજ બંધ કરવામાં આવ્યો હોવાનું બહાનું બનાવીને મમતા બેનરજીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિચારનું અનુકરણ ર્ક્યું છે. ગયા મહિને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પણ દાવો ર્ક્યો હતો કે, તેમણે `નીટ’નો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમનું માઈક બંધ કરવામાં આવ્યું હતું. તેમણે લોકસભા અધ્યક્ષને માઈક ચાલુ કરવા કહ્યું ત્યારે ઓમ બિરલાએ તરત જ વળતો જવાબ આપતાં કહ્યું કે, `માઈક્રોફોન બંધ કરવાનું મારી પાસે કોઇ બટન નથી.’ માઈક બંધ કરવાના મમતા બેનરજીના દાવા પછી પીઆઈબીએ `એક્સ’ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, આ દાવો ખોટો છે. ઘડિયાળે ફક્ત તેમનો બોલવાનો સમય પૂરો થઈ ગયો હોવાનું દેખાડયું હતું.

- Advertisement -

એટલે સુધી કે એ માટે કોઈ ઘંટી પણ વાગી નહોતી. મૂળાક્ષરો મુજબ તેમનો વારો ભોજનના સમય બાદ આવ્યો હોત, પરંતુ તેમને વહેલું પાછું જવાનું હોવાથી પ.બંગાળ સરકારની સત્તાવાર વિનંતીથી તેમને સાતમા ક્રમાંકે વક્તા તરીકે સમાવી લેવાયા હતા. બેઠક અધવચ્ચે જ છોડીને વોકઆઉટ કરી ગયેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, હું સમગ્ર વિપક્ષમાંથી એકમાત્ર પ્રતિનિધિ હોવા છતાં મારા ભાષણને વચ્ચેથી ખોટી રીતે રોકી દેવાયું, મારું માઇક બંધ કરી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર પર ભેદભાવનો આરોપ મૂકીને `ઈન્ડિયા’ જોડાણના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની આજની બેઠકમાં જોડાયા ન હતા, જેમાં એમ.કે. સ્ટાલિન (તામિલનાડુ), સિધ્ધારમૈયા (કર્ણાટક), રેવંત રેડ્ડી (તેલંગાણા), સુખવિંદરસિંહ સુકખૂ (હિમાચલ પ્રદેશ), પી. વિજયન (કેરળ), હેમંત સોરેન (ઝારખંડ), ભગવંતમાન (પંજાબ) અને અરવિંદ કેજરીવાલ (દિલ્હી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાસક એનડીએના પણ બે મુખ્યમંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. બિહારના સીએમ નીતીશકુમાર અંગત કારણે હાજર રહ્યા ન હતા, પરંતુ બે નાયબ સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા હાજર રહ્યા હતા. તે જ રીતે પોંડિચેરીના મુખ્યમંત્રી પણ બેઠકમાં આવ્યા ન હતા.

દરમ્યાન, કેન્દ્રની મોદી સરકારે તૃણમૂલ સુપ્રીમોના આરોપોને ખોટા લેખાવીને જણાવ્યું હતું કે, મમતા બેનર્જીને બોલવાની પૂરી તક અપાઈ હતી. ભાજપના મુખ્યમંત્રીઓને બોલવા માટે 10થી 20 મિનિટનો સમય અપાયો હતો, જ્યારે મારું માઇક પાંચ મિનિટમાં બંધ કરી દેવાયું, તેવો આરોપ મમતાએ મૂકયો હતો. આ પગલું અપમાનજનક છે. હું હવે પછીની કોઇપણ બેઠકમાં હાજરી નહીં આપું. મેં આજે બેઠકનો બહિષ્કાર કર્યો છે, તેવું તેમણે કહ્યું હતું. બંગાળી વાઘણે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટ અપાઇ હતી. હું પશ્ચિમ બંગાળના મુદ્દા પર બોલી રહી હતી, ત્યારે જ મારું માઇક બંધ કરી દેવાયું હતું.

- Advertisement -

શું રાજ્યના મુદ્દા પર બોલવું ખોટું છે? આ મારું અને બંગાળના લોકોનું અપમાન છે, તેવું બેનરજીએ કહ્યું હતું. દરમ્યાન, સૂત્રોએ જણાવ્યું હતું કે, હકીકતમાં મમતા બેનરજીનું ભાષણ ભોજન વિરામ બાદ થવાનું હતું, પરંતુ તેમને વહેલા કોલકાતા પરત ફરવાનું છે, તેવું કહેતાં બંગાળ સરકારે કરેલી સત્તાવાર અપીલનાં પગલે બેનરજીને સાતમા વક્તા તરીકે ગોઠવણ કરી અપાઇ હતી. મને કેટલાક રાજ્યો પ્રત્યે વિશેષ ધ્યાન અપાય, તેની સામે પણ વાંધો નથી, પરંતુ અન્ય રાજ્યો સાથે ભેદભાવ શા માટે કરાય છે, તેવો સવાલ મમતાએ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી છે, જેમાં ભાજપ અને એનડીએના સહયોગી દળો મળી 1પ કેન્દ્રીય મંત્રીઓનો સદસ્ય તથા આમંત્રિત સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. દરમ્યાન, નીતિ આયોગના સીઈઓ સુબ્રહ્મણ્યમે પણ કહ્યું કે, પ્રત્યેક મુખ્યમંત્રીને સાત મિનિટ ફળાવવામાં આવતી હોય છે અને ક્રીન ઉપર એક ઘડિયાળ હોય છે. જે બાકી રહેતો સમય બતાવે છે જે સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક અને અંતમાં શૂન્ય બતાવે છે. બીજું કાંઈ નહીં. તેના સિવાય કશું થયું ન હતું. પછી મમતાએ કહ્યું, મને વધુ સમય બોલવું હતું, પણ હું વધું બોલીશ નહીં. તેના સિવાય કાંઈ ન હતું. અમે બધાએ સાંભળ્યું હતું, મમતાના ગયા બાદ પણ બંગાળના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article