મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે કચ્છના પ્રશ્નો અંગે કચાશ નહીં રખાય

Reena Brahmbhatt
2 Min Read

ભુજ, તા. 11 : રાજ્યમાં કચ્છનું ક્ષેત્રફળ સૌથી મોટું હોવાથી વિકાસકામો પ્રત્યે સરકારે હંમેશાં અગ્રતા આપે છે ને કોઈ વિષયમાં કચાશ રાખવામાં નહીં આવે તેવી ખાતરી આજે ગાંધીનગર ખાતે મળેળી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના લોકપ્રતિનિધિઓને આપી હતી. કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ તથા નગરપાલિકાના પ્રમુખો સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. કચ્છમાં નર્મદાના વધારાના પાણીના કામમાં ઝડપ લાવવા અને વંચિત વિસ્તારોને ખાસ કરીને અબડાસા, લખપતને પણ અપાવવાની માગણી ધારાસભય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. તેમણે દવાખાનાને અપગ્રેડ કરી ખાલી જગ્યાઓ ભરવા જણાવ્યું હતું.

Great Rann Of Kutch

- Advertisement -

યાત્રાધામનો વિકાસ, ડેપોની સુધારણા અંગે માંગ કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ દ્વારા સંયુકત રીતે ભુજ-નારાયણ સરોવર માર્ગને ફોરલેનમાં ફેરવવા તેમજ નવા ડેમ, ડેમોની સંગ્રહશક્તિ વધારવા માંગ કરાઈ હતી. શ્રી દવે તથા બાકીના તમામ કચ્છના લોકપ્રતિનિધિઓએ શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તો વારંવાર બદલી કરવાની ઝંઝટ અને ખાલી જગ્યા ભરવાની સમસ્યા ન રહે. પાંચ વર્ષ સુધી બદલીઓ નહીં કરવા વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાઓના પ્રમુખોએ પણ શહેરની સમસ્યા ઉકેલવા માગણીઓ મૂકી હતી. મુખ્યમંત્રીએ તમામને લેખિતમાં કામોની યાદી આપી દેવા અને તમામ પ્રશ્નો પ્રત્યે ધ્યાન અપાશે, વિકાસકામોમાં કોઈ કચાશ નહીં રખાય અને કચ્છના હિતમાં સરકાર નિર્ણય લેશે, તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

Share This Article