કિંગ્સટાઉન, તા.2પ: વિષમતાથી સફળતાની સફરમાં પોતાના ક્રિકેટ ઇતિહાસનું સોનેરી પૃષ્ઠ આલેખીને લડાયક અફઘાનિસ્તાને ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના કરો યા મરો સમાન મેચમાં ડકવર્થ/લૂઇસ પદ્ધતિથી બાંગલાદેશને 8 રને હાર આપીને પહેલીવાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ અફઘાનની આ ઐતિહાસિક જીતથી ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાંથી ફેંકાયું છે. 18મી ઓવરના પાંચમા દડે નવીન ઉલ હકે જેવી મુસ્તાફિઝુર રહેમાનની વિકેટ લીધી એ સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત અફઘાનિસ્તાના સમર્થકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
અફઘાન ખેલાડીઓ પણ જીતના જશ્ન સાથે ભાવુક બન્યા હતા. કેરેબિયન ધરતીથી લઈને કાબૂલ સુધી ક્રિકેટ ફીવર ફરી વળ્યો હતો.રાજકિય નીતિક અસ્થિરતા, યુદ્ધની વિભીષિકા સહન કરનાર આ દેશની ક્રિકેટ ટીમે અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું છે અફઘાન ટીમ હવે 27 જૂને પહેલા સેમિ ફાઇનલમાં દ. આફ્રિકા સામે ટકારશે જ્યારે સેમિમાં ભારત-ઇંગ્લેન્ડ આમને-સામને હશે. આ મેચમાં અફઘાનિસ્તાનના 20 ઓવરમાં પ વિકેટે 11પ રનના સામાન્ય સ્કોરના જવાબમાં વરસાદનાં વિઘ્નને લીધે બાંગલાદેશને જીત માટે 19 ઓવરમાં 114 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરતા નાટકીય ચડાવ-ઉતાર વચ્ચે બાંગલાદેશ ટીમ 17.પ ઓવરમાં 10પ રને ઓલઆઉટ થઈ હતી.

આથી અફઘાનિસ્તાનનો 8 રને દિલધડક વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ અફઘાન બોલર નવીન ઉલ હકે 26 રનમાં 4 વિકેટ લીધી હતી જ્યારે કપ્તાન રાશિદ ખાને 23 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન તરફથી ઇન ફોર્મ ઓપનિંગ બેટર રહમાનુલ્લાહ ગુરબાજે પપ દડામાં 43 રન કરીને ઇબ્રાહિમ જારદાન (18) સાથે પહેલી વિકેટમાં પ9 રનની ભાગીદારી 64 દડામાં કરી હતી જ્યારે કપ્તાન રાશિદ ખાને 10 દડામાં 3 છગ્ગાથી અણનમ 19 રન કર્યા હતા. બાંગલાદેશ તરફથી સ્પિનર રિશાદ હુસેને 26 રનમાં 3 વિકેટ લીધી હતી. 114 રનના સંશોધિત વિજય લક્ષ્ય સામે લિટન દાસ સિવાય બાંગલાદેશનો અન્ય કોઈ બેટધર અફઘાનિસ્તાનના શાનદાર બોલિંગ-ફિલ્ડિંગ સામે ક્રિઝ પર ટકી શક્યો ન હતો. લિટન દાસ ઓપનિંગમાં આવ્યો હતો અને 49 દડામાં પ ચોગ્ગા અને 1 છગ્ગાથી પપ રને નોટઆઉટ રહ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર શકિબ અલ હસન ઝીરોમાં, કપ્તાન નઝમૂલ હસન શાંતો પ રને, તંજિમ હસન ઝીરોમાં, સૌમ્ય સરકાર 10 રને આઉટ થયા હતા.

