નવી દિલ્હી, તા. 27 : ઉત્તર પ્રદેશને લઈને ભાજપમાં જોરદાર ગરમાગરમી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લખનઉથી તમામ હલચલ હવે દિલ્હીમાં કેન્દ્રિત થઈ છે. યુપીના તમામ ભાજપ દિગ્ગજ શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. 24 કલાકમાં દિલ્હીમાં ત્રણ મહત્ત્વની બેઠક હતી. જેમાં નીતિ આયોગની બેઠક થયા બાદ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમની બેઠક મળી હતી. આ ઉપરાંત યુપી ભાજપના મુદ્દાના ઉકેલ માટે પણ એક બેઠક થવાની હતી.

હકીકતમાં ભાજપના તમામ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી ભાજપ મુખ્યાયલે પહોંચ્યા હતા. આ બેઠકમાં પીએમ મોદી, પક્ષ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ મોટા નેતા સામેલ હતા. કહેવાય છે કે બેઠકમાં લોકસભા ચૂંટણીમાં થયેલા નુકસાનથી લઈને આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં યોગી આદિત્યનાથ, નાયબ સૈની, મોહન યાદવ, વિષ્ણુદેવ સાય, પુષ્કર ધામી, હેમંત બિસ્વા સરમા, પ્રમોદ સાવંત વગેરે પહોંચ્યા હતા. આ બેઠક બાદ ઉત્તર પ્રદેશને લઈને સીએમ યોગી અને ભાજપની ટોપ લીડરશિપ વચ્ચે યુપીને લઈને મહત્ત્વની બેઠક થવાની સંભાવના હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ભાજપના તમામ વિધાયકો સાથે વાત કરી ચૂક્યા છે.
તો બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ મોર્ય પણ ડઝનેક વિધાયકોને મળ્યા છે. આ બેઠકોના હેતુ અંગે અલગ અલગ સવાલ થઈ રહ્યા છે. તેવામાં અખિલેશ યાદવ સતત ડબલ એન્જિન સરકાર ઉપર નિશાન તાકી રહ્યા છે.

