જમશેદપુર, તા. 30 : ઝારખંડના જમશેદપુરમાં હાવડા-મુંબઇ મેલ-એક્સપ્રેસ ટ્રેન અગાઉથી ખડી પડેલી માલગાડીથી ટકરાયા બાદ ટ્રેનના બધા ડબ્બા પાટા પરથી ઊતરી પડવાની દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30થી વધુ યાત્રીને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટના વહેલી સવારે 3-43 વાગ્યે રાજખરસવાં અને બડાબામ્બો વચ્ચે બની હતી. ટ્રેન ખડી પડયા બાદ હાવડા-તિતલાગઢ સહિત અનેક ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. રેલવેએ મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂા. અને ગંભીર છ ઇજાગ્રસ્તને પાંચ-પાંચ લાખ વળતરની જાહેરાત કરી હતી.

ઝારખંડ સરકારે પણ વળતરની જાહેરાત કરી હતી. મળતી વિગત અનુસાર મુસાફર ટ્રેનનું એન્જિન અગાઉથી ખડી પડેલી માલગાડીની બોગીથી ટકરાયા બાદ ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી પડયા હતા. યાત્રી ટ્રેનના ડબ્બા ખડી પડયા બાદ ટ્રેનના ટોયલેટને કાપીને અંદરથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કોલકાતા મુખ્યાલયથી જનરલ મેનેજર, મુખ્ય સુરક્ષા અધિકારી સહિતનો કાફલો જમશેદપુર ધસી આવ્યો હતો. દુર્ઘટનાની તસવીરો વાયરલ થઇ હતી.
આ દુર્ઘટના કઇ રીતે બની તે તાત્કાલિક રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી. દક્ષિણ-પૂર્વ રેલવેના પ્રવક્તા ઓમ પ્રકાશ ચરણે જણાવ્યું કે, યાત્રી ટ્રેન ખડી પડી તેની બાજુના ટ્રેક પર માલગાડી પણ ખડી પડી હતી. હજુ એ સ્પષ્ટ થયું નથી કે, આ બંને ઘટના એકી સમયે બની હતી કે નહીં. હાવડા-મુંબઇ મેલ વાયા નાગપુરના 22માંથી 18 કોચ ખડી પડયા હતા, જેમાંથી 16 મુસાફર કોચ, એક પાવર કાર અને એક પેન્ટ્રી કાર હતા, એમ તેમણે જણાવ્યું હતું.

