રુસ-યુક્રેન બન્ને યુદ્ધરત દેશો વચ્ચે મધ્યસ્થતાની ભારતે ના કહી દીધી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 19 : થોડા સમય પૂર્વે રશિયાની યાત્રા કરી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ અઠવાડિયામાં યુક્રેનનો પ્રવાસ ખેડવાના છે. જો કે આ પહેલાં ભારત તરફથી રશિયા અને યુક્રેનનાં યુદ્ધમાં મધ્યસ્થતા કરવાનો ઈન્કાર પણ કરી દેવામાં આવ્યો છે. જો કે, દિલ્હી તરફથી કહેવામાં આવ્યું છે કે, બન્ને દેશો વચ્ચે અમે સંદેશ મોકલવામાં મદદ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, મોદી 23મી એ યુક્રેન જવાનાં છે અને ફેબ્રુઆરી 2022માં રશિયાએ આક્રમણ કર્યા બાદ ભારતનાં કોઈપણ વરિષ્ઠ નેતાની આ પહેલી યુક્રેન યાત્રા હશે. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેંસ્કીનાં ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યરમેકને ભારત વિશે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે.

modi and ukrain president zelenskyy

- Advertisement -

જો કે ભારતનાં અધિકૃત સૂત્રોએ સ્પષ્ટ રીતે બન્ને યુદ્ધરત દેશો વચ્ચે મધ્યસ્થતાની ના કહી દીધી છે. ભારત ફક્ત બન્ને દેશ વચ્ચે સંદેશાવાહકની ભૂમિકા ભજવી શકે છે તેવું કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં રશિયાનાં આક્રમણની જાહેર નિંદા કરવાનું ભારત ટાળતું આવ્યું છે.

નવી દિલ્હીએ યુનોમાં યુક્રેન સંબંધિત મોટાભાગનાં પ્રસ્તાવોમાં તેની તરફેણ કે વિરુદ્ધ મત આપવાને બદલે હાજરી જ ટાળી હતી. ભારતનું કહેવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત અને કૂટનીતિથી સમાધાનની દિશામાં આગળ વધવાનાં પ્રયાસો થવા જોઈએ. આવા કોઈપણ પ્રયાસનું ભારત સમર્થન કરશે. યુદ્ધથી કોઈ જ ઉકેલ આવવાનો નથી.

- Advertisement -
Share This Article