Mojtaba Khamenei Health Update: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ પત્રો દ્વારા ઈરાની શાસનના સંપર્કમાં છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ઈરાની અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા પછી જાહેર ક્ષેત્રે જોવા મળ્યા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોજતબા ખામેનેઈ પોતાના પ્રથમ જાહેર સંબોધનમાં નબળા અને અસુરક્ષિત દેખાવા માંગતા નથી.
મોજતબા ખામેનેઈને હુમલાનો ડર?
રિપોર્ટ મુજબ, સુરક્ષાના કારણે અને અમેરિકા તથા ઈઝરાયેલની દેખરેખથી બચવા માટે મોજતબા ખામેનેઈ સુધી સંદેશ પહોંચાડવાની રીત પણ અત્યંત ગોપનીય રાખવામાં આવી છે. સંદેશા હાથથી લખવામાં આવે છે, પરબિડીયાઓમાં સીલ કરવામાં આવે છે અને પછી ભરોસાપાત્ર કુરિયર્સની એક શૃંખલા દ્વારા આગળ મોકલવામાં આવે છે. આ કુરિયર કાર અને મોટરસાઈકલ દ્વારા મુખ્ય રસ્તાઓ અને અંદરના રસ્તાઓ પર સફર કરતા સંદેશાને તેમના ઠેકાણા સુધી પહોંચાડે છે. મોજતબા ખામેનેઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા નથી.
મોજતબા ખામેનેઈને પ્લાસ્ટિક સર્જરી અને કૃત્રિમ પગની જરૂર
એક રિપોર્ટ અનુસાર, પોતાના પિતાના મૃત્યુ પછી સત્તા સંભાળનારા મુજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ છે અને હાલમાં છુપાઈને કામ કરી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ હોશમાં છે, પરંતુ તેઓ જાહેરમાં નજર આવી રહ્યા નથી અને તેમની ભૂમિકાને ધીમે ધીમે ઓછી કરવામાં આવી રહી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ માનસિક રીતે સંપૂર્ણ સક્રિય છે, પરંતુ શારીરિક ઈજાઓ ઘણી ગંભીર છે. તેમના એક પગનું ત્રણ વખત ઓપરેશન થઈ ચૂક્યું છે અને હવે તેમને કૃત્રિમ પગ (પ્રોસ્થેટિક) ની જરૂર છે. એક હાથની પણ સર્જરી થઈ છે અને તે ધીમે ધીમે ઠીક થઈ રહ્યો છે. તેમનો ચહેરો અને હોઠ ખરાબ રીતે દાઝી ગયા છે, જેના કારણે બોલવામાં તકલીફ થઈ રહી છે, અને આગળ જતાં પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડી શકે છે.
ઈરાની રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકાર્યો
મોજતબા ખામેનેઈને લઈને આ જાણકારી એવા સમયે સામે આવી છે, જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના રાજકીય અને સૈન્ય નેતૃત્વમાં એકતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવો દાવો કર્યો કે ઈરાનના રાજકીય અને સૈન્ય નેતૃત્વ વચ્ચે આંતરિક કલહ છે. જોકે ઈરાને આ દાવાઓને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ઈરાનના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં કહ્યું છે કે, ‘ઈરાનમાં કોઈ કટ્ટરપંથી અને ઉદારવાદી નથી. અમે બધા ઈરાની અને ક્રાંતિકારી છીએ. દેશમાં એકતા છે. અમે આક્રમણખોરોને પસ્તાવા માટે મજબૂર કરી દઈશું. એક અલ્લાહ, એક દેશ અને એક નેતા અને એક જ રસ્તો… ઈરાનની જીત અમારા માટે જીવથી પણ વધુ મહત્વની છે.’

