સુરતના ખાજોદ સ્થિત સુરત ડાયમંડ બોર્સમાં સંપૂર્ણ કાર્યરત સિસ્ટમ સ્થાપિત કરવા માટે સુરત ડાયમંડ બોર્સ દ્વારા મુંબઈ એરપોર્ટ પર 10×20 સાઈઝનો સ્ટ્રોંગ રૂમ બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. વિદેશથી આવતા હીરાના પાર્સલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર બીકેસી સ્ટ્રોંગ રૂમની બાજુમાં આ સ્ટ્રોંગ રૂમનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને લગભગ એક પખવાડિયામાં આ કામ પૂર્ણ થઈ જશે.
અહેવાલ મુજબ, નવી કાર્યકારી સમિતિ સુરતના ખાજોદમાં આશરે રૂ. 3400 કરોડના ખર્ચે બનેલ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બોર્સની કામગીરીમાં વધારો કરવા તમામ પ્રયાસો કરી રહી છે. સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગકારો સાથેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ એવો નિર્ણય લેવાયો છે કે બુર્સ ખાતે આવેલી ઓફિસોમાં કામની ગતિ જુલાઈ સુધીમાં વધારવામાં આવશે. આ સંદર્ભે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ટ્રોંગ રૂમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુર્સ કમિટીના આગેવાનોના જણાવ્યા મુજબ આ અંગે કસ્ટમ વિભાગની મંજુરી મળી ગઈ છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મુંબઈ એરપોર્ટ પર આવે છે અને વિદેશથી આવતા હીરાના પાર્સલ મેળવવા માટે કુરિયર કંપનીનો સ્ટાફ 24 કલાક ઉપલબ્ધ હોતો નથી. આવી સ્થિતિમાં એરપોર્ટ પર હીરાના પાર્સલના વીમા અને તેની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.