EPFO Nominee Rules: નોકરીયાત લોકો માટે PF (પીએફ) માત્ર એક બચત યોજના નથી પરંતુ ભવિષ્યની આર્થિક સુરક્ષા પણ છે પરંતુ કેટલાય કર્મચારીઓ પોતાના EPF (ઈપીએફ) ખાતામાં નોમિની (વારસદાર) ઉમેરવાનું નજરઅંદાજ કરી દે છે. આ જ નાની એવી બેદરકારી જ પછીથી પરિવાર માટે મોટી મુશ્કેલી બની શકે છે. એવામાં તમામ PF સભ્યો માટે જરૂરી છે કે તેઓ પોતાના ખાતામાં નોમિની ચોક્કસ ઉમેરે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO (ઈપીએફઓ) પણ સમયાંતરે પોતાના સભ્યોને PF ખાતામાં નોમિની ઉમેરવાની સલાહ આપે છે. નોમિની નોંધાયેલા હોવાથી કોઈ કટોકટીની સ્થિતિ અથવા સભ્યના મૃત્યુ પછી પરિવારને PF અને અન્ય સંબંધિત લાભો સરળતાથી મળી જાય છે.
હવે અહીં સવાલ આવે છે કે જો ખાતામાં નોમિની ન જોડાયેલા હોય અને સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેના નાણાં કોને મળશે? આજે અમે તમને આના જ વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ.
PF ખાતામાં નોમિની ન હોવા પર શું થાય છે?
જો EPFO સભ્યએ પોતાના ખાતામાં કોઈ નોમિનીનું નામ નોંધ્યું નથી, તો તેના મૃત્યુ પછી PF રકમ અને અન્ય લાભો મેળવવા માટે પાત્ર પરિવારના સભ્યો અથવા કાનૂની વારસદારોએ દાવો કરવો પડે છે એટલે કે જો નોમિની નથી તો નાણાં અને લાભ સભ્યના પરિવાર અને કાનૂની વારસદારને જ મળે છે.
નોમિની ન હોવાની સ્થિતિમાં કાનૂની વારસદારોની પ્રક્રિયા
એવી સ્થિતિમાં તમામ પાત્ર સભ્યોએ જરૂરી દસ્તાવેજો જમા કરવા પડે છે અને નિયમો અનુસાર તેમને સરખો હિસ્સો મળે છે. જો કોઈ માન્ય કાનૂની વારસદાર હાજર નથી, તો કાયદા હેઠળ આગામી પાત્ર વ્યક્તિને PF રકમ મેળવવાનો અધિકાર મળી શકે છે.
PF ખાતામાં નોમિની ન હોવા પર આ પ્રક્રિયા થોડી મુશ્કેલ થઈ જાય છે. બીજી તરફ જો નોમિનીનું નામ હોય છે તો વધુ કાગળિયાની કાર્યવાહીની જરૂર પડતી નથી.
EPFO ના જણાવ્યા અનુસાર જો તમામ દસ્તાવેજો યોગ્ય રીતે જમા કરવામાં આવે અને નોમિની પહેલાથી નોંધાયેલા હોય, તો ક્લેમ (દાવો) ની પતાવટ સામાન્ય રીતે થોડા દિવસોમાં થઈ શકે છે પરંતુ નોમિની વગરના મામલાઓમાં પરિવારના તમામ પાત્ર સભ્યોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવી પડે છે. આ જ કારણે પ્રક્રિયા લાંબી થઈ શકે છે અને ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે.
EPFO ઈ-નોમિનેશન સુવિધા
જણાવી દઈએ કે EPFO એ સભ્યોની સુવિધા માટે ઈ-નોમિનેશન (e-Nomination) ની સુવિધા શરૂ કરી છે. આના દ્વારા સભ્યો ઓનલાઈન પોતાના નોમિનીનું નામ ઉમેરી શકે છે. ઈ-નોમિનેશન હોવા પર પરિવારને PF, EPS અને પેન્શન સંબંધિત લાભો મેળવવામાં ઘણી સરળતા રહે છે. સાથે જ ક્લેમની પ્રક્રિયા પણ ઓનલાઈન પૂરી કરી શકાય છે અને EPFO કચેરીના ધક્કા ખાવાની જરૂર પડતી નથી.

