Foreign Travel Form 157 Rule: જો તમે પણ વિદેશ યાત્રા કરો છો તો કેટલીક જરૂરી વાતો જાણી લેવી ખૂબ જ મહત્વની છે. વિદેશ પ્રવાસ કરતા ભારતીયો માટે સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે ૧ એપ્રિલ ૨૦૨૬થી પ્રભાવી થઈ ચૂક્યો છે. આ નિયમ હેઠળ જે લોકો પાસે PAN (પર્મનન્ટ એકાઉન્ટ નંબર) નથી અથવા જેમની આવક ટેક્સના દાયરામાં નથી આવતી, તેમણે હવે વિદેશ જતા પહેલા ફોર્મ ૧૫૭ ભરવું અનિવાર્ય રહેશે. આ નવું ફોર્મ જૂના ફોર્મ ૧૫૬ ની જગ્યા લેશે.
શું છે નવો નિયમ?
સરકારે આ વ્યવસ્થા આવકવેરા અધિનિયમ ૨૦૨૫ અને આવકવેરા નિયમ ૨૦૨૬ હેઠળ લાગુ કરી છે. આનો મુખ્ય હેતુ એવા લોકોનો રેકોર્ડ રાખવાનો છે જેઓ ટેક્સ નથી ભરતા પરંતુ વિદેશ યાત્રા કરે છે. આનાથી વિદેશ પ્રવાસ સાથે જોડાયેલા ડેટાને વધુ સારી રીતે ટ્રેક કરી શકાશે અને ટેક્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ મળશે.
જાણો ફોર્મ ૧૫૭ શું છે?
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ફોર્મ ૧૫૭ એક પ્રકારનું સર્ટિફિકેટ છે, જે ભારતમાં રહેતા તે લોકોએ જમા કરાવવું પડશે જેઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને જેમની પાસે PAN કાર્ડ નથી. અગાઉ ફોર્મ ૧૫૬ જમા કરાવવું પડતું હતું, જેમાં પાન કાર્ડ અનિવાર્ય હતું.
દરેક યાત્રા માટે અલગ ફોર્મ
આ ફોર્મ ઇવેન્ટ આધારિત છે, એટલે કે તમે જેટલી વાર વિદેશ જશો એટલી વાર નવું ફોર્મ ૧૫૭ ભરવું પડશે. આનાથી સરકારને માહિતી મળશે કે કોઈ વ્યક્તિ કેટલી વાર વિદેશ પ્રવાસ કરી રહી છે.
કેવી રીતે એપ્લાય કરવું?
અગાઉનું ફોર્મ ૧૫૬ ઓનલાઈન ભરી શકાતું હતું, પરંતુ ફોર્મ ૧૫૭ ને ઓનલાઈન જમા કરી શકાશે નહીં.
આ ફોર્મ સંબંધિત ક્ષેત્રીય આવકવેરા અધિકારી (Income Tax Officer) પાસે જઈને મેન્યુઅલ રીતે જમા કરાવવું પડશે.
જરૂર જણાય તો તેમાં પાછળથી સુધારો પણ કરી શકાય છે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે?
ફોર્મ ભરતા પહેલા આ જરૂરી દસ્તાવેજો સાથે રાખો:
પાસપોર્ટ અથવા ઇમરજન્સી સર્ટિફિકેટ
નામ, સરનામું જેવી વ્યક્તિગત માહિતી
યાત્રાનો હેતુ (Purpose of visit)
વિદેશમાં રોકાણનો અંદાજિત સમયગાળો
વેરિફિકેશન માટે મોબાઈલ નંબર આપવો હિતાવહ છે. આ એક સામાન્ય સેલ્ફ-ડિકલેરેશન ફોર્મ છે, જેમાં ટેક્સની વિગતો આપવી જરૂરી નથી. આ નિયમ ખાસ કરીને તે લોકો માટે છે જેમની પાસે PAN નથી.
કોને આ નિયમ લાગુ નહીં પડે?
આ નિયમ તમામ મુસાફરો માટે નથી. જો તમારી પાસે પાન કાર્ડ છે અને તમે નિયમિતપણે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો તમારે ફોર્મ ૧૫૭ ભરવાની જરૂર રહેશે નહીં. તમારા માટે વિદેશ પ્રવાસની પ્રક્રિયા પહેલાની જેમ જ રહેશે.

