Health Insurance Tips: આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ જરૂરી સુરક્ષા કવચ બની ગયો છે. બીમારીઓ અને મેડિકલ ખર્ચની કિંમત ઝડપથી વધી રહી છે અને પોલિસી વિના સારવાર કરાવવી પરિવારની આર્થિક સ્થિતિ પર ભારે પડી શકે છે. જોકે ઘણા લોકો પોલિસી લેતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરી દે છે, જેનાથી ક્લેમ સમયે પરેશાની વધી જાય છે. જો આ ભૂલોથી બચવામાં આવે તો હેલ્થ ઈન્શ્યોરન્સનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકાય છે. જાણી લો કઈ-કઈ ભૂલોથી પોતાને બચાવવા તમારા માટે જરૂરી છે, જેથી હેલ્થ ઈન્શ્યોરન્સનો ક્લેમ કરતી વખતે મુશ્કેલી ન વેઠવી પડે.
ખોટી જાણકારી આપવાથી બચો
હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે જે સૌથી કોમન ભૂલ થાય છે તે છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી સાચી રીતે ન આપવી. ઘણા લોકો જૂની સારવાર, બીમારી કે સર્જરી વિશે છુપાવે છે. તેઓ વિચારે છે કે આનાથી પ્રીમિયમ ઓછું લાગશે. પરંતુ આવું કરવાથી ક્લેમ રિજેક્ટ થવાનું જોખમ વધી જાય છે. જો ઈન્શ્યોરન્સ કંપની પોલિસી વખતે આપેલી જાણકારી અને અસલિયતમાં તફાવત જણાશે, તો પોલિસી કેન્સલ પણ થઈ શકે છે. તેથી હંમેશા પૂરી ઈમાનદારીથી તમારી મેડિકલ હિસ્ટ્રી શેર કરો, જેથી જરૂર પડ્યે ક્લેમ સરળતાથી મંજૂર થાય.
દસ્તાવેજો અને પોલિસીની શરતો ન વાંચવી
ઘણા લોકો પોલિસી ખરીદતી વખતે દસ્તાવેજો અને શરતો ધ્યાનથી વાંચતા નથી. આ જ કારણ છે કે ક્લેમ સમયે તેમને ખબર પડે છે કે કઈ વસ્તુઓ કવર છે અને કઈ નહીં. પોલિસીમાં સામેલ અને બહાર રાખવામાં આવેલી સુવિધાઓ, વેઈટિંગ પીરિયડ, પ્રી-એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ અને ક્લેમ પ્રોસેસને સમજવી જરૂરી છે. આનાથી માત્ર પરેશાની ઓછી થતી નથી, પરંતુ તમે તમારા પૈસા અને સમયની બચત પણ કરી શકો છો. ક્લેમ વખતે દરેક ડોક્યુમેન્ટ તૈયાર અને સાચા હોવા જરૂરી છે.
પ્રીમિયમ અને પોલિસીના સમયગાળાનું ધ્યાન ન રાખવું
ત્રીજી ભૂલ છે પ્રીમિયમ અને પોલિસીના સમયગાળા (ટેન્યોર) પર ધ્યાન ન આપવું. ઘણા લોકો માત્ર સૌથી ઓછું પ્રીમિયમ જોઈને પોલિસી ખરીદી લે છે અને પછીથી તેમને ખબર પડે છે કે કવર ઓછું છે અથવા પોલિસી જલ્દી પૂરી થઈ ગઈ છે. પોલિસી લેતા પહેલા એ ચોક્કસ જુઓ કે તમારી જરૂરિયાત મુજબ કવર પૂરતું છે અને સમયગાળો લાંબો છે. સાચું પ્રીમિયમ અને કવર પસંદ કરવાથી ક્લેમ સરળતાથી મળી શકે છે. હેલ્થ ઈન્શ્યોરન્સનો ફાયદો સાચી રીતે ઉઠાવવો હોય તો આ ભૂલોથી પોતાને ચોક્કસ બચાવીને રાખો.

