Restaurant Service Charge Guidelines: બહાર જમવું હવે એક મોંઘો શોખ બની રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે ખાવાના બિલના નામે તમારા ખિસ્સા પર તરાપ પણ મારવામાં આવી રહી છે? અવારનવાર રેસ્ટોરાં બિલમાં ચુપકેથી ‘સર્વિસ ચાર્જ’ (સેવા શુલ્ક) ઉમેરી દે છે અને ગ્રાહક તેને ફરજિયાત સમજીને ચૂકવી દે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય, તો સાવધ થઈ જાઓ. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) એ હવે આવી રેસ્ટોરાં વિરુદ્ધ મોટો કોરડો વીંઝ્યો છે.
અવારનવાર આપણે રેસ્ટોરાંમાં જમ્યા પછી બિલ પર ધ્યાન આપતા નથી. બિલમાં ખાવાની કિંમત અને GST ઉપરાંત એક કોલમ ‘સર્વિસ ચાર્જ’ની હોય છે. તાજેતરના કિસ્સામાં, CCPA એ દેશભરની ૨૭ એવી રેસ્ટોરાં પર દંડ ફટકાર્યો છે જે ગ્રાહકો પાસેથી જબરદસ્તીથી સર્વિસ ચાર્જ વસૂલી રહી હતી. આ સંસ્થાઓ પર ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વસૂલેલા પૈસા ગ્રાહકોને પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
CCPA ની ગાઈડલાઈન શું કહે છે?
ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલવો એ એક ‘અયોગ્ય વ્યાપારી પ્રથા’ (Unfair Trade Practice) છે. CCPA એ ૪ જુલાઈ, ૨૦૨૨ ના રોજ સ્પષ્ટ ગાઈડલાઈન જારી કરી હતી, જેને માર્ચ ૨૦૨૫ માં દિલ્હી હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી છે.
૫ પોઈન્ટ્સમાં સમજો તમારા અધિકાર
ઓટોમેટિક સર્વિસ ચાર્જ ન ઉમેરી શકે: કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ બિલમાં પોતાની મેળે અથવા ‘બાય ડિફોલ્ટ’ સર્વિસ ચાર્જ ઉમેરી શકતી નથી.
નામ બદલીને વસૂલાતની મનાઈ: સર્વિસ ચાર્જને અન્ય કોઈ પણ નામે વસૂલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
સ્વૈચ્છિક અને વૈકલ્પિક: આ સંપૂર્ણપણે તમારી મરજી પર નિર્ભર છે. રેસ્ટોરાંએ ગ્રાહકોને સ્પષ્ટ જણાવવું પડશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક છે.
એન્ટ્રી પર રોક નહીં: જો તમે સર્વિસ ચાર્જ આપવાની ના પાડો છો, તો રેસ્ટોરાં તમને એન્ટ્રી આપવાની કે સેવા આપવાની ના પાડી શકે નહીં.
ફરિયાદનો હક: જો રેસ્ટોરાં જબરદસ્તીથી પૈસા માંગે છે, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (૧૯૩૦) પર ફરિયાદ કરી શકો છો.
૨૭ રેસ્ટોરાં પર કાર્યવાહી, દંડ પણ ફટકારાયો
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) એ દેશભરની ૨૭ રેસ્ટોરાં વિરુદ્ધ સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લઈને કડક કાર્યવાહી કરી છે. સરકારી હેલ્પલાઇન નંબર પર મળેલી ફરિયાદો અને બિલોની તપાસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પટનાનું ‘કેફે બ્લૂ બોટલ’ અને મુંબઈનું ‘ચાઈના ગેટ રેસ્ટોરાં’ (બોરા બોરા) જેવી સંસ્થાઓ બિલમાં સીધો ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરી રહી હતી.
કેફે બ્લૂ બોટલ, પટનાને CCPA એ ગ્રાહકના પૂરા પૈસા પરત કરવા, તાત્કાલિક સર્વિસ ચાર્જ બંધ કરવા અને ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ, મુંબઈના ચાઈના ગેટ (બોરા બોરા) એ સુનાવણી દરમિયાન ગ્રાહકના પૈસા તો પરત કરી દીધા, પરંતુ CCPA એ બિલિંગ સોફ્ટવેરમાં ફેરફાર કરવાના નિર્દેશ સાથે ૫૦,૦૦૦ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે.
સર્વિસ ચાર્જ પર કોઈ બહાનું નહીં ચાલે!
CCPA એ સ્પષ્ટ કર્યું કે દિલ્હી હાઈકોર્ટના માર્ચ ૨૦૨૫ ના ચુકાદા પછી હવે કોઈ પણ બહાનું ચાલશે નહીં. કોર્ટે માન્યું છે કે ફરજિયાતપણે સેવા શુલ્ક વસૂલવો કાયદા વિરુદ્ધ છે અને તમામ રેસ્ટોરાંએ CCPA ની ગાઈડલાઈન્સનું પાલન કરવું જ પડશે. સત્તામંડળ હવે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર આવતી ફરિયાદોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે જેથી ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરી શકાય.

