અપુલિયા, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા હતા અને તેના વિશેષ સત્રમાં જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં એકાધિકારનો અંત લાવવો જોઇએ. ગ્લોબલ સાઉથ દેશો અનિશ્ચિતતા અને તનાવનો સામનો કરી રહ્યા છે અને ભારત આ દેશોની પ્રાથમિકતાને વૈશ્વિક સ્તરે મૂકવાની જવાબદારી નિભાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યંy હતું કે, તેઓ આ સંમેલનમાં વિશ્વ નેતાઓ સાર્થક ચર્ચા માટે ઉત્સુક છે. ઈટાલી ખાતે જી-7 દેશોના વડાઓએ ભારત સાથે પારસ્પરિક સંબંધ અને સહયોગ વધારવા આતુરતા દર્શાવી હતી.

વડાપ્રધાન મોદીએ સતત પાંચમીવાર જી-7 સમિટમાં હાજરી આપી છે. સમિટ સિવાય મુલાકાતોના દોરમાં ભારત સાથે સંરક્ષણ સહયોગ અને વેપાર વાણિજ્ય વધારવા વાતચીત થઈ હતી. સમિટને સંબોધતાં ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ કહ્યંy કે, પશ્ચિમી દેશો દુનિયાની વિરુદ્ધ નથી. જી-7 સમૂહ એવા વિચારનો કયારેય સ્વીકાર નહીં કરે કે, પશ્ચિમી દેશ દુનિયાની વિરુદ્ધ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યંy કે, તેમને પુતિનના શાંતિ પ્રસ્તાવ પર વિશ્વાસ નથી. ઈટાલીના અપુલિયામાં આયોજિત ગ્રુપ ઓફ 7 (જી-7) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે સ્વાગત બાદ મુલાકાતોનો દોર શરૂ થયો હતો. બ્રિટનના વડાપ્રધાન રિષિ સુનક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે દ્વિપક્ષી બેઠક યોજી હતી. મેક્રો સાથે વાતચીતમાં બંન્ને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી-સંરક્ષણ સહયોગ મેક ઈન ઈન્ડિયા પર સહમતિ દર્શાવી હતી. મેક્રોએ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ગત વર્ષે સમિટમાં કરેલી એઆઈ, ડીપીઆઈ પહેલના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કિને પણ મળ્યા અને ભેટયા હતા.
ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ તેમની બેઠક પ્રસ્તાવિત હતી જેઓ જી-7 સમિટના આયોજક છે. મોદી અને મેલોની મળ્યા ત્યારે બંન્નેએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનને પણ તેઓ મળવાના છે જેમાં ખાલિસ્તાની આતંકી પન્નૂનો મુદ્દો ઊઠી શકે છે. બન્ને નેતાઓની મુલાકાત પહેલાં જ અમેરિકાએ એક નિવેદનમાં કહ્યંy કે, અમે પન્નૂની હત્યાના કાવતરાનો મુદ્દો ઊઠાવીશું. રિષિ સુનક સાથેની મુલાકાત વિશે મોદીએ કહ્યું કે, `ઇટાલીમાં બ્રિટીશ પી.એમ. રિષિ સુનકને મળીને આનંદ થયો. મેં એન.ડી.એ. સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુ.કે. વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ સાથે સેમિકન્ટક્ટર, ટેકનોલોજી અને વ્યાપાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવાનો ઘણો અવકાશ છે. અમે રક્ષા ક્ષેત્રમાં સંબંધો વધુ મજબૂત કરવાની પણ ચર્ચા કરી હતી.’

