સેન્સેક્સ ૬૭૬ પૉઈન્ટ તૂટ્યો,
સેન્સેક્સ ૬૭૬ પૉઈન્ટ તૂટ્યો,
રૂપિયો ૪૫ પૈસા ગબડ્યો
રોકાણકારોની સંપત્તિમાં ₹ ૩.૪૬ લાખ કરોડનું ધોવાણ
મુંબઈ: અગ્રણી રેટિંગ એજન્સી ફિચે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડતાં બુધવારે ભારત સહિત એશિયન ઈક્વિટી બજાર તથા યુરોપના બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હતું. બુધવારે ઈક્વિટી માર્કેટમાં સ્થાનિક રોકાણકારોની વેચવાલી ઉપરાંત વિદેશી સંસ્થાકીય અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અનુક્રમે રૂ. ૧૮૭૭.૮૪ કરોડની અને રૂ. ૨.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ મંગળવારના બંધ સામે ૧.૦૨ ટકા અથવા તો ૬૭૬.૫૩ પૉઈન્ટનાં ગાબડા સાથે ૬૫,૭૮૨.૭૮ના મથાળે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી મંગળવારના બંધ સામે ૧.૦૫ ટકાના ઘટાડા સાથે ૧૯,૫૨૬.૫૫ના મથાળે બંધ રહ્યો હતો. તેમ જ બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૪૬ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. એકંદરે બુધવારે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર પાંચ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી માત્ર પાંચ શૅરના ભાવ વધીને અને ૪૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. વધુમાં ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો ૪૫ પૈસા ગબડીને ૮૨.૬૭ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે બુધવારે રોકાણકારોની વ્યાપક વેચવાલીનાં દબાણને કારણે તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ ઘટીને બંધ રહેતાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન ૩,૪૬,૯૪૭.૫૪ કરોડના ધોવાણ સાથે ૩૦૩,૩૩,૨૫૮.૬૯ કરોડની સપાટીએ રહ્યું હતું. વધુમાં આજે ઈક્વિટી માર્કેટની નરમાઈ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૦ ટકા વધીને બેરલદીઠ ૮૫.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૨૨ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૩૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૬૭ અને ઉપરમાં ૮૨.૩૭ની રેન્જમાં અથડાઈને અંતે ૪૫ પૈસાના ઘટાડા સાથે ૮૨.૬૭ના મથાળે બંધ રહ્યો હતો.
