ઢાકા, તા. 20 : બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને મંજૂરીના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ફેલાયેલી હિંસાની આગ બેકાબૂ બની છે. હિંસામાં થયેલાં મૃત્યુનો આંક વધીને 115 થઇ ગયો છે. ભારે તાણ, અજંપાની સ્થિતિ વચ્ચે એક હજાર જેટલા છાત્ર પોતાનાં ઘરે પાછા વળી ગયા હતા. વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગ પાર્ટીના મહામંત્રી ઓબૈદુલ કાદરે ગઇકાલે શુક્રવારની મોડી રાત્રે કફર્યુ લાદવાની ઘોષણા કરતાં આખો દેશ ઘરમાં કેદ થઇ ગયો હતો.
સેનાએ મોરચો સંભાળી લીધો હતો અને હિંસા કરતા પ્રદર્શન કારીઓને દેખો ત્યાં જ ઠાર કરી દેવાનો આદેશ આપી દેવાયો હતો. યુનિવર્સિટીઓ બંધ કરી દેવાય છે અને છાત્રોને હોસ્ટેલ ખાલી કરી દેવા જણાવાયું છે. ભારતીય વિદ્યાર્થીઓને બાંગલાદેશની ડોકી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટથી બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ પરત મોકલી દેવાયા છે.

બાંગલાદેશમાં આશરે 1પ,000 જેટલા ભારતીય રહે છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8પ00 આસપાસ હોવાનું કહેવાય છે. સત્તાધારી આવામી લીગ પાર્ટીના નેતા ઓબૈદુલ કાદરે જાહેર કર્યું કે, હિંસા પર કાબૂ મેળવવા સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે અને દેશમાં કફર્યૂ લગાવાયો છે. શુક્રવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ ગોળીબારના બનાવો બનતાં વડાપ્રધાન શેખ હસીનાએ કફર્યૂનું એલાન કર્યું હતું. રાજધાની ઢાકામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર હિંસક પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલ ઉપર હુમલો કરીને સેંકડો કેદીને છોડાવી આગચંપી કરી હતી. દેશમાં સેંકડો વાહનને આગ લગાવાઈ છે અને ઠેર-ઠેર તોડફોડના બનાવો બન્યા છે.
વડાપ્રધાન શેખ હસીનાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તે બીટીવીની ઓફિસના કેમ્પસમાં તોડફોડ કરાઈ હતી. – બાંગલાદેશમાં કેવી છે અનામત વ્યવસ્થા ? : ઢાકા, તા.20 : બાંગ્લાદેશમાં 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે, જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા અપંગ વ્યક્તિઓ માટે આરક્ષિત છે. અહીંના વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી અનામતની વિરુદ્ધ છે. આંકડાઓ અનુસાર, દેશમાં દર વર્ષે 3 હજાર સરકારી નોકરીઓ બહાર પડે છે જેના માટે અરજી કરનારા લોકોની સંખ્યા લગભગ 4 લાખ છે. જેમાં 30 ટકા અનામત તેમને જાય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.

