Ali Larijani Death Iran: અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી અલી લારીજાનીનું મોત થયું છે. અલી લારીજાની આ સંઘર્ષની શરૂઆતથી જ ઈરાનની સૈન્ય અને રાજદ્વારી રણનીતિના મુખ્ય સૂત્રધાર બનેલા હતા. મંગળવારે તેમના મોતની જાહેરાત કરતા ઈઝરાયેલે તેને પોતાની એવી સફળતા તરીકે રજૂ કરી છે, જે તેહરાનની સત્તાને હચમચાવી શકે છે. બીજી તરફ, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લારીજાનીના મોતથી આ લડાઈ લાંબી ખેંચાવાની આશંકા પેદા થઈ છે.
રિપોર્ટ મુજબ, 67 વર્ષના લારીજાની તેહરાનની સત્તાનો એક જાણીતો ચહેરો હતા. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ ઈઝરાયેલના નિશાના પર હોવા છતાં તેઓ જાહેર રેલીઓમાં દેખાયા હતા અને નિવેદનો જારી કરતા રહ્યા હતા. યુદ્ધમાં દેશને એકજૂટ રાખવા માટે પણ લારીજાની દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
કેમ મહત્વના હતા અલી લારીજાની?
એક્સપર્ટ્સનું કહેવું છે કે લારીજાની ઈરાની નેતૃત્વના એક સમજદાર, સક્ષમ અને કદાવર વ્યક્તિ હતા. તેમના મોતથી ઈરાને એક શક્તિશાળી અવાજ ગુમાવ્યો છે. તેઓ ઈઝરાયેલ અને અમેરિકા સાથે યુદ્ધ ખતમ કરવા માટેની કોઈપણ વાતચીતમાં એક મહત્વનો સ્તંભ (Pillar) બની શકતા હતા. તેમના મૃત્યુથી હવે વાતચીતની કોઈપણ કોશિશ મુશ્કેલ બની જશે.
જર્મન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ સિક્યોરિટી અફેર્સના વિઝિટિંગ ફેલો હામિદરેઝ અઝીઝી કહે છે, “લારીજાનીએ દાયકાઓ સુધી સિસ્ટમના કેન્દ્રમાં કામ કર્યું. તેમને સમાજના ઉચ્ચ વર્ગના અલગ-અલગ હિસ્સાઓમાં વિશ્વસનીયતા પ્રાપ્ત હતી. ટાઈમ મેગેઝિને વર્ષ 2009માં લારીજાનીના પ્રભાવને જોતા તેમને ‘ઈરાનના કેનેડી’ કહ્યા હતા.”
અલી લારીજાનીનું મજબૂત કદ
અઝીઝીના મતે, લારીજાનીના મોતથી યુદ્ધનું રાજકીય સંચાલન જટિલ બની જશે. તેનું કારણ એ છે કે ઈરાનના રાજકીય સંદેશાઓ પર અલીની જબરદસ્ત પકડ હતી અને તેમના આંતરરાષ્ટ્રીય સંપર્કો ખૂબ જ મજબૂત હતા. યુદ્ધ ખતમ કરવાના સંભવિત કરાર માટે લારીજાની જેવા કદના વ્યક્તિની જરૂર હતી. હવે યુદ્ધવિરામની વાટાઘાટો સરળ નહીં હોય.
અલી લારીજાની છેલ્લા 50 વર્ષથી તેહરાનમાં અલગ-અલગ હોદ્દા પર રહ્યા હતા. તેમણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC), સુરક્ષા તંત્ર, સરકારી મીડિયા અને સંસદમાં મહત્વના પદો પર કામ કર્યું હતું. અઝીઝીનું કહેવું છે કે જો રાષ્ટ્રપતિ પદને છોડી દેવામાં આવે તો તેઓ લગભગ તમામ મોટા પદો પર રહ્યા હતા. તેહરાનમાં તેમના જેવો અનુભવ ધરાવતા બહુ ઓછા લોકો છે.
પશ્ચિમી દેશોમાં પણ હતી ઓળખ
અલી લારીજાનીએ 1980ના દાયકામાં ઈરાક સાથેના યુદ્ધ દરમિયાન IRGC કમાન્ડર તરીકે કામ કર્યું હતું અને બાદમાં સરકારી પ્રસારણકર્તાના વડા બન્યા હતા. લારીજાની ઈરાનના મુખ્ય પરમાણુ વાટાઘાટકાર પણ રહ્યા હતા. પશ્ચિમી રાજદ્વારીઓએ તેમની સાથેની વાતચીત બાદ તેમને એક સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ ગણાવ્યા હતા.
લારીજાની 12 વર્ષ સુધી ઈરાનની સંસદના સ્પીકર રહ્યા હતા. ગયા વર્ષે ઈઝરાયેલ સાથેના 12 દિવસના સંઘર્ષ બાદ લારીજાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા તરીકે દેશના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેનારા વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમની ખોટ માત્ર ઈરાનને જ નહીં પરંતુ યુદ્ધમાં મધ્યસ્થી કરવાની કોશિશ કરનારાઓને પણ વર્તાશે.

