ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુની હત્યાનો પ્રયાસ

Reena Brahmbhatt
3 Min Read

તેલ અવીવ, તા. 19 : લોહિયાળ યુદ્ધે હવે ખતરનાક સ્વરૂપ લેવા માંડયું છે. લેબેનોનમાંથી હિઝબુલ્લાહે ડ્રોન હુમલા કરતાં ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુના ઘર પર નિશાન સાધ્યું હતું. જો કે, હુમલામાં ઘરને કોઈ નુકસાન થયું નથી અને અહેવાલો અનુસાર ઘરમાં નહીં હોવાથી વડાપ્રધાન નેતન્યાહુ પણ બચી ગયા હતા.

ડ્રોન હુમલાથી કસારિયા શહેરમાં એક ઈમારતને નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈઝરાયલી સંરક્ષણ દળોએ ત્રણમાંથી બે ડ્રોનને તરત નષ્ટ કરી નાખ્યાં હતાં. વડાપ્રધાનનાં ઘર પર નિશાન સધાયા પછી ઈઝરાયલની સેના અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ થઈ ગઈ છે. હમાસનો વડો યાહ્યા સિનવાર ઈઝરાયલી સેનાના હુમલામાં મરાયા બાદ લેબેનોનમાંથી હિઝબુલ્લાહે આ હુમલો કર્યો હતો. પત્ની સારા સાથે વડાપ્રધાન નેતન્યાહુ ઘરની બહાર હોવાથી બચી ગયા હતા. અમારી હવાઈ સંરક્ષણ પ્રણાલી હુમલાને રોકવામાં નિષ્ફળ રહી, તેવું ઈઝરાયલ સંરક્ષણ દળે કબૂલ્યું હતું. લેબનોનથી છોડવામાં આવેલાં ત્રણ ડ્રોને 70 કિમીની સફર કરી ઈઝરાયલની હાઇટેક એર ડિફેન્સ સિસ્ટમ ભેદીને નેતન્યાહુ જ્યાં રહે છે, તે ઈમારત ઉપર હુમલો કર્યો હતો.

- Advertisement -

આ બનાવને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવે છે. એક ડ્રોન હાઇફાના બહારના વિસ્તારમાં એક સૈન્ય હેલિકોપ્ટરની બરાબર બાજુમાં ઝળક્યું હતું. જેને બાદમાં તોડી પડાયું હતું. ઈઝરાયલે આ હુમલાને વડાપ્રધાન નેતન્યાહુની હત્યાનો પ્રયાસ ગણાવી તે માટે ઈરાન પર આરોપ લગાવ્યો છે. ઈઝરાયલ અનુસાર ઈરાને લેબનોનથી ડ્રોન લોન્ચ કરાવીને નેતન્યાહુને નિશાન બનાવવા પ્રયાસ કર્યો છે. ઈરાન તરફથી આ હુમલા અંગે હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી.ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે, શનિવારે લેબનોનથી એક ડ્રોન સાઇજેરિયા વિસ્તારમાં ઘૂસી ગયું હતું અને વડાપ્રધાન નેતન્યાહુનાં નિવાસસ્થાને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં ઈમારતને નુકસાન થયું છે, પરંતુ સદ્નસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી.

વિસ્તારમાં અન્ય બે ડ્રોન પણ ઘૂસી ગયાં હતાં. એક ડ્રોન નજીકના ખુલ્લા વિસ્તારમાં ખાબક્યું હતું. નેતન્યાહુનાં નિવાસસ્થાને હુમલા પહેલાં ડ્રોન એક કલાક સુધી મંડરાયાનું સામે આવ્યું છે. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સવારે હિઝબુલ્લાહે ત્રણ ડ્રોન દાગ્યાં હતાં, જેમાં બે ડ્રોનને તોડી પડાયાં હતાં, જ્યારે ત્રીજું ડ્રોન વડાપ્રધાનનાં નિવાસસ્થાન સાથે ટકરાયું હતું. વડાપ્રધાન નેતન્યાહુના પ્રવક્તાએ જણાવ્યું કે, તેઓ સુરક્ષિત છે. લેબનોનથી જે સમયે ડ્રોનથી હુમલો કરાયો, ત્યારે નેતન્યાહુ હાજર ન હતા. ડ્રોન એટેક બાદ તેલ અવીવમાં સાયરન વાગ્યું હતું. હિઝબુલ્લાહ સાથે ચાલી રહેલી ભીષણ લડાઈ વચ્ચે પહેલીવાર ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને નિશાન બનાવી ડ્રોન એટેક કરાયો છે. આ ડ્રોન પોતાનાં લક્ષ્યને સીધી રીતે ભેદવા સક્ષમ હતું. એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકી નહીં, એટલે વડાપ્રધાનનાં નિવાસસ્થાન સુધી પહોંચી ગયું હતું.

- Advertisement -
Share This Article