Baghdad Battery: શું પ્રાચીન મેસોપોટેમિયાના લોકો 2,000 વર્ષ પહેલાં વીજળી બનાવતા હતા?

Arati Parmar
4 Min Read

Baghdad Battery: સમગ્ર વિશ્વમાં મોટા વર્ગમાં એવી સામાન્ય માન્યતા રહી છે કે મોટાભાગની ટેક્નોલોજીની શોધ છેલ્લા 100 વર્ષમાં થઈ છે. આ માન્યતાને સિંધુ, મેસોપોટેમિયા અને બેબીલોન સુધીની સભ્યતાઓ અંગે થયેલી શોધોએ સમયાંતરે પડકાર આપી છે. જેમ કે સિંધુ ખીણની સભ્યતા વિશે જાણવા મળે છે કે ત્યાં અનેક બાબતોમાં આજના સમય કરતાં વધુ સારા રહેણાંક વિસ્તારો બનાવવામાં આવ્યા હતા. આવો જ એક દાવો મેસોપોટેમિયા સભ્યતાના સમયગાળાની બેટરી અંગે છે. તેનાથી એવી સંભાવનાને બળ મળે છે કે કદાચ તે સમયે માનવીએ વીજળી પ્રગટાવવાનું શીખી લીધું હતું.

નિષ્ણાતો આ વસ્તુને બગદાદ બેટરીના નામથી ઓળખે છે. તેનાથી આ દાવાને બળ મળે છે કે 1800ના દાયકામાં વોલ્ટાની શોધથી ઘણાં પહેલાં માનવ સભ્યતાઓ પાસે એવી બેટરી હતી, જે વીજળી ઉત્પન્ન કરતી હતી. 1936માં બગદાદ નજીક ખુજુત રાબૂ ખાતે કામ કરી રહેલા લોકોને તે મળી હતી, જેના પર સંશોધનથી સતત નવી બાબતો સામે આવી છે.

- Advertisement -

બગદાદ બેટરીની શોધ

મેસોપોટેમિયાના લોકોએ પોતાના પ્રકારની પ્રથમ બેટરી (બગદાદ બેટરી) બનાવી હતી. તે 1936માં બગદાદ નજીક મળી હતી, જે સ્ટેસિફોનના ખંડેરોની નજીક આવેલું છે. તે પાર્થિયન અને બાદમાં સસાનિયન સામ્રાજ્યની રાજધાની હતી. તેમાં પોલિશ ન કરેલું માટીનું એક જાર મળ્યું હતું, જેની અંદર બિટ્યુમેન (કાચા તેલમાંથી બનતો એક પદાર્થ)થી સીલ કરાયેલું તાંબાનું સિલિન્ડર હતું અને તેની અંદર લોખંડની સળિયા લટકતી હતી.

એક રિપોર્ટ અનુસાર, ઇરાક મ્યુઝિયમના ડિરેક્ટર વિલ્હેમ કોનિગે કહ્યું હતું કે આ એક ગેલ્વેનિક સેલ હતું. જોકે 2003માં ઇરાક મ્યુઝિયમમાં થયેલી લૂંટ દરમિયાન તેના ભાગો ગુમ થઈ ગયા અને માત્ર તસવીરો તથા કોનિગ દ્વારા બનાવવામાં આવેલું રીકન્સ્ટ્રક્શન ડ્રોઇંગ જ બચ્યું હતું. બાદમાં બેટરીના સ્કેચનો ઉપયોગ કરીને તેની નકલ (રિપ્લિકા) બનાવવામાં આવી હતી. સંશોધકોએ તેને ફરીથી બનાવી છે અને તેમાંથી વાસ્તવિક વોલ્ટેજ પણ માપ્યું છે.

- Advertisement -

આ વાસણો મંત્રવાળા વાટકા પાસે મળ્યાં હતાં, જેનો ધાર્મિક વિધિઓમાં ઉપયોગ થતો હતો. તેનાથી તેમને એવું સૂચન કરવાની તક મળી કે તેમાં લખેલી પ્રાર્થના અથવા શાપ હતા, જેને ભેટ તરીકે સીલ કરીને અને દફનાવીને રાખવામાં આવતા હતા અને લોખંડની સળિયાઓ ઇલેક્ટ્રોડને બદલે ખીલાઓ તરીકે કામ કરતી હતી. – પુરાતત્વવિદ્ એલિઝાબેથ સ્ટોન

માપવામાં આવેલ બેટરીનું રીડિંગ

તેનું રીડિંગ સામાન્ય રીતે 0.8થી 2 વોલ્ટની વચ્ચે રહ્યું છે, જે ઉપયોગમાં લેવાયેલા ઇલેક્ટ્રોલાઇટ પર આધાર રાખે છે. તેનાથી ઘણા લોકો એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે પ્રાચીન સમયમાં માનવીઓ કદાચ આપણી ધારણા કરતાં ઘણી વધારે સમજદાર હતા. પેન મ્યુઝિયમમાં રિસર્ચ એસોસિયેટ અને પુરાતત્વવિદ્ વિલિયમ બી. હેફોર્ડે તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે.

- Advertisement -

હેફોર્ડ કહે છે કે લોકોને વિચિત્ર વસ્તુઓ પર વિશ્વાસ કરવો ગમે છે. પાર્થો-સસાનિયન સભ્યતાઓ પાસે નિશ્ચિતપણે જટિલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા હતી, જેમણે ત્રીજી સદી BC અને ત્રીજી સદી ADની વચ્ચે મધ્ય પૂર્વના મોટા ભાગ પર શાસન કર્યું હતું. જોકે પુરાવા એ વાતનું સમર્થન કરતા નથી કે બગદાદ બેટરીને બેટરી તરીકે કામ કરવા માટે બનાવવામાં આવી હતી.

શું કહે છે નિષ્ણાતો

એક નવા સંશોધન અનુસાર, જાર પોતે કાર્ય કરવા સક્ષમ હતું, માત્ર એક કન્ટેનર નહોતું. તેમની થિયરી માટીને બીજા એક બાહ્ય સેલ માટે છિદ્રાળુ સેપેરેટર અથવા વાસ્તવમાં ટિન-એર બેટરી માને છે, જે તાંબા અને લોખંડના આંતરિક સેલ સાથે સીરિઝમાં જોડાયેલી હોય છે. બંને મળીને 1.4 વોલ્ટ ઉત્પન્ન કરતા હતા, જે ઇલેક્ટ્રોલિસિસ અને ધાતુની સપાટીઓ પર દેખાતી પ્રતિક્રિયાઓ ચલાવવા માટે પૂરતું હતું.

પેન મ્યુઝિયમના રિસર્ચર વિલિયમ હેફોર્ડનું કહેવું છે કે વાસણોમાં કોઈ તાર દેખાતો નથી અને સીલ કરાયેલા મેટલ કોરને બાહ્ય સર્કિટ સાથે જોડવાનો કોઈ વ્યવહારુ રસ્તો નથી. કેટલાક ઉદાહરણોમાં એકને બદલે અનેક તાંબાના સિલિન્ડર પણ છે, તેથી તે કાર્યરત ઇલેક્ટ્રિકલ ડિઝાઇન સાથે યોગ્ય રીતે બંધબેસતું નથી.

Share This Article