ઓટાવા, તા. 24 : ભારત વિરોધી વલણ માટે કુખ્યાત બની ચૂકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર મહાસંકટ સર્જાયું છે. પોતાના જ પક્ષ લિબરલ પાર્ટીના 20થી વધુ સાંસદોએ જસ્ટિનને 28મી ઓક્ટોબર સુધી રાજીનામું આપી દેવાનું આખરીનામું આપ્યું છે.
ભારત સાથે કૂટનીતિક તાણે પણ ટ્રુડોની સ્થિતિને વધારે મુશ્કેલીભરી બનાવી દીધી છે, ત્યારે વડાપ્રધાન પદ પરથી જસ્ટિન ટ્રુડો રાજીનામું નહીં આપે તો વિદ્રોહ કરવાની ચેતવણી પણ સાંસદોએ આપી છે. પદ છોડી દો નહીંતર બળવાનો સામનો કરવા તૈયાર રહો તેવી ચેતવણી સાથે નારાજ સાંસદોએ ટ્રુડોને ચોથીવાર વડાપ્રધાન પદની દોડમાં સામેલ નહીં થવા પણ જણાવી દીધું હતું.
બંધ બારણે યોજાયેલી બેઠકમાં લિબરલ પાર્ટીના બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિકવિલરે આગામી ચૂંટણીમાં જીત માટે જસ્ટિનનું રાજીનામું જરૂરી હોવાની વાત કરી હતી. ભારત સાથે તીવ્ર રાજદ્વારી તાણ વચ્ચે ટ્રુડો સામે ભીષણ સંકટનો પડકાર સર્જાયો છે. ત્રણ કલાક ચાલેલી બેઠક બાદ સાંસદોએ ટ્રુડોને આખરીનામા સાથે કહ્યું છે કે, પક્ષને નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતારો. ભલે બેઠક બાદ ટ્રુડોએ દાવો કર્યો હતો કે, તેમનો પક્ષ `મજબૂત અને એકજૂટ’ છે, પરંતુ સાંસદોના ચેતવણીભર્યા પત્રએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રુડોના નેતૃત્વમાં તાજેતરની કેટલીક વિશેષ ચૂંટણીઓમાં પક્ષને પરાજયનો સામનો કરવો પડયો છે એટલે પણ અસંતોષ વધ્યો છે.

