Boat Capasized: ગુરુવારે ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક બોટ અકસ્માતમાં 27 સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓના મોત થયા. આ અકસ્માત ભૂમધ્ય સમુદ્ર માર્ગ પર થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી (UNHCR) એજન્સીએ આ માહિતી આપી.
શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં ભૂમધ્ય માર્ગમાં 700 થી વધુ સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓનો સામનો કરવા માટે, દરિયામાં બચાવ કામગીરી, સલામતી માર્ગોની વ્યવસ્થા, ગંતવ્ય દેશોને મદદ અને મૂળ કારણોને દૂર કરવા જેવા તમામ પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
ગ્રાન્ડીએ તેમની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, લેમ્પેડુસા નજીક એક દુ:ખદ બોટ અકસ્માતમાં 27 લોકોનાં મોત થયા છે. વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 700 થી વધુ સ્થળાંતર કરનારાઓનાં મોત થયા છે. હવે દરેક સ્તરે પ્રતિભાવને મજબૂત બનાવવો જરૂરી છે, પછી ભલે તે દરિયામાં બચાવ હોય, કાનૂની માર્ગો હોય કે મૂળ કારણોનું નિરાકરણ હોય.
આ વર્ષે ભૂમધ્ય માર્ગ પર 675 લોકોના મોત
UNHCR ઇટાલીના સંદેશાવ્યવહાર અધિકારીના જણાવ્યા અનુસાર, એજન્સી અકસ્માતમાં બચી ગયેલા લોકોને મદદ કરી રહી છે. લગભગ એટલા જ લોકો હજુ પણ ગુમ છે. લેમ્પેડુસા નજીક થયેલા બીજા એક દુ:ખદ અકસ્માતથી અમે ખૂબ જ નિરાશ છીએ. UNHCR હવે બચી ગયેલા લોકોને મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં ભૂમધ્ય માર્ગ પર 675 લોકોના મોત નોંધાયા છે અને તેના કારણે કાનૂની અને સલામત માર્ગોને મજબૂત બનાવવા જરૂરી છે.
લોકો લિબિયાથી બે બોટમાં સવાર થયા હતા
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કાર્યાલય (IMO) ના પ્રવક્તા ફ્લેવિડો ડી ગિયાકોમોએ આ અકસ્માત વિશે માહિતી શેર કરી. તેમણે કહ્યું કે બે બોટમાં લગભગ 95 લોકો લિબિયાથી રવાના થયા હતા. આમાંથી એક બોટમાં પાણી ભરાવા લાગ્યું, ત્યારબાદ બધા બીજી બોટમાં સવાર થયા. પરંતુ વધુ લોકોના કારણે તે બોટ પણ પલટી ગઈ.
60 લોકોને બચાવી લેવામાં આવ્યા, 35 હજુ પણ ગુમ છે
તેમણે X પર લખ્યું, લેમ્પેડુસા નજીક એક દુ:ખદ બોટ અકસ્માત થયો. બે બોટમાં લગભગ 95 લોકો લિબિયાથી રવાના થયા હતા. જ્યારે એક હોડી પાણીથી ભરાવા લાગી, ત્યારે બધા બીજી હોડીમાં ચઢી ગયા, જે ભીડને કારણે પલટી ગઈ. ગિયાકોમોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 60 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ લગભગ 35 લોકો હજુ પણ ગુમ છે અથવા મૃત્યુ પામ્યા છે.

