Ukraine Drone Attack Russia 2026: નવા વર્ષના પહેલા દિવસે ગુરુવારે યુક્રેને રશિયા પર ભીષણ ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. રશિયન વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, ખેરસન પ્રાંતની એક હોટેલ અને કેફેમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આ યુક્રેની હુમલો થયો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રશિયાના નિયંત્રણ હેઠળના દક્ષિણ ખેરસન વિસ્તારમાં યુક્રેને આ હુમલાને અંજામ આપ્યો હતો. રશિયન સરકાર દ્વારા નિયુક્ત પ્રાદેશિક ગવર્નર વ્લાદિમીર સાલ્ડોએ યુક્રેન પર આતંકવાદી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે તે નાગરિકોને નિશાન બનાવતું નથી.
‘જાણીજોઈને કરવામાં આવ્યો ડ્રોન હુમલો’, ખેરસનના ગવર્નરનું નિવેદન
સાલ્ડોએ જણાવ્યું હતું કે ત્રણ યુક્રેની ડ્રોને દરિયાકાંઠાના ગામ ખોરલીમાં નવા વર્ષની ઉજવણીના સ્થળ પર હુમલો કર્યો હતો. તેમણે આને નાગરિકો વિરુદ્ધ જાણીજોઈને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઘણા લોકો જીવતા સળગી ગયા છે. રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી સૂચવે છે કે ૨૪ લોકો માર્યા ગયા છે અને ૫૦ લોકો ઘાયલ થયા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તેમાં કોઈ શંકા નથી કે હુમલો પૂર્વ આયોજિત હતો, જેમાં ડ્રોને જાણીજોઈને તે વિસ્તારોને નિશાન બનાવ્યા હતા જ્યાં નાગરિકો નવા વર્ષની પૂર્વ સંધ્યા ઉજવવા માટે એકઠા થયા હતા અને આ હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો.’
રશિયાએ કરી હુમલાની નિંદા
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલા બાદ ચારેબાજુ આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ માટે પશ્ચિમમાં યુક્રેનના સમર્થકો જ જવાબદાર છે. રશિયાની સંસદના બંને ગૃહોના અધ્યક્ષો સહિત વરિષ્ઠ રાજકારણીઓએ કિવની નિંદા કરી હતી.
ખેરસન યુક્રેનના એવા ચાર વિસ્તારોમાંનું એક છે જેના પર રશિયાએ ૨૦૨૨ માં પોતાનો દાવો કર્યો હતો. યુક્રેનના લશ્કરી પ્રવક્તાએ ગુરુવારે રશિયાના ઇન્ટરફેક્સ સમાચારને જણાવ્યું હતું કે તેઓ માત્ર દુશ્મનના સૈન્ય મથકો, બળતણ અને ઊર્જા સુવિધાઓ તથા અન્ય કાયદેસરના લક્ષ્યો પર જ હુમલો કરે છે.

