Colombia Earthquake: કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી વિનાશ, મૃત્યુઆંક 130 પર પહોંચ્યો

Arati Parmar
3 Min Read

Colombia Earthquake: કોલંબિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ ઈમરજન્સી જાહેર, સેંકડો ઇમારતોને નુકસાન, 570થી વધુ ઘાયલ

Colombia Earthquake: કોલંબિયાના પશ્ચિમી ભાગમાં આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 130 થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડી લા એસ્પ્રીલાએ જણાવ્યું કે આ કુદરતી આપત્તિમાં સેંકડો ઇમારતોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા 570 લોકો ઘાયલ થયા છે.

જણાવી દઈએ કે આ ભયાનક ભૂકંપ સોમવારે ચોકોના ગ્રામીણ વિસ્તાર અને સાન જોસ ડેલ પાલ્માર નજીક આવ્યો હતો, જે રાજધાની બોગોટાથી અંદાજે 400 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી અંદાજે 107 કિલોમીટર નીચે હતી અને તેની તીવ્રતા 7.4 નોંધાઈ હતી.

- Advertisement -

દેશમાં ઈમરજન્સી જાહેર

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડી લા એસ્પ્રીલાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક ફંડ જાહેર કરવા ઈમરજન્સીની જાહેરાત કરી છે અને તેઓ પોતે પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.

આ વિસ્તારોમાં અભિયાન ચાલી રહ્યું છે, લોકો ખુલ્લામાં રહેવા મજબૂર

મળતી માહિતી અનુસાર, દેશના ચોકો, રિસારાલ્ડા, વાલે ડેલ કોકા અને કાલ્ડાસ સહિત અનેક અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. ક્ષતિગ્રસ્ત ઇમારતો અને મકાનો તૂટી પડવાના ભયને કારણે લોકો હજુ પણ ખુલ્લામાં રહેવા મજબૂર છે. ઈમરજન્સી ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સંભવિત આફ્ટરશોકનો સામનો કરવા માટે સંપૂર્ણ સતર્ક છે.

- Advertisement -

આ ભૂકંપની કેટલી અસર થઈ?

મીડિયા અહેવાલો અનુસાર, આ શક્તિશાળી ભૂકંપના આંચકા કોલંબિયાના અનેક પડોશી દેશોમાં પણ અનુભવાયા હતા. જેમ કે ઇક્વાડોર, વેનેઝુએલા અને પનામામાં પણ તેના આંચકા અનુભવાયા હતા. જોકે, કોલંબિયાની બહાર કોઈ મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી.

કોલંબિયાની જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા મુજબ, છેલ્લા 10 વર્ષમાં દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. મુખ્ય ભૂકંપ બાદ 2.8 અને 4.8ની તીવ્રતાના બે આફ્ટરશોક પણ નોંધાયા હતા.

- Advertisement -

રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ

નોંધનીય છે કે કોલંબિયાનો ચોકો વિસ્તાર અત્યંત દૂરનો અને ગરીબ માનવામાં આવે છે. અહીં ખરાબ રસ્તાઓ, મર્યાદિત મૂળભૂત સુવિધાઓ અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિને કારણે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ, ભૂકંપ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડી લા એસ્પ્રીલા રાજધાની બોગોટા પરત ફરી આવ્યા છે અને તેઓ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ યુનિટ (UNGRD)ના ક્રાઇસિસ સેન્ટરમાંથી સમગ્ર રાહત અભિયાનની જાતે દેખરેખ રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકાર અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની સુરક્ષા અને મદદ માટે તમામ સંભવિત પગલાં ભરશે.

Share This Article