Donald Trump on India Pakistan War: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો: ‘5 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા’ – ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પર મોટું નિવેદન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Donald Trump on India Pakistan War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવો દાવો કર્યો છે જેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘મારા હસ્તક્ષેપના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવને રોકી શકાયો. પહલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યા પછી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી, પરંતુ મારા હસ્તક્ષેપના કારણે એક મોટો સંઘર્ષ ટાળી શકાયો હતો.’

મેં ઘણા મોટા યુદ્ધોને રોકવામાં મદદ કરી: ટ્રમ્પ

- Advertisement -

આ અંગે વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મેં ઘણા મોટા યુદ્ધોને રોકવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. લડાઈમાં ફાઇટર જેટ્સને તોડી પાડવામાં આવી રહ્યા હતા, કદાચ લગભગ પાંચ ફાઇટર જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. બંને દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.’

ટ્રમ્પનો વેપાર દ્વારા વિવાદ ઉકેલવાનો દાવો

- Advertisement -

ભારત અને પાકિસ્તાન અંગે ટ્રમ્પે કહ્યું કે, ‘પરિસ્થિતિ સતત બગડતી રહી હતી અને અમે તેને વેપાર દ્વારા ઉકેલી હતી. અમે કહ્યું કે જો તમે લોકો શસ્ત્રો(અને કદાચ પરમાણુ શસ્ત્રો)નો ઉપયોગ કરતાં રહેશો, તો અમે કોઈ વેપાર કરાર કરીશું નહીં.’

ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 4-5 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા

- Advertisement -

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેટલાક રિપબ્લિકન સાંસદો સાથે ડીનર દરમિયાન આ વાત કહી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તોડી પાડવામાં આવેલા ફાઇટર જેટ્સ ભારતના હતા કે પાકિસ્તાનના. ટ્રમ્પે અત્યાર સુધીમાં ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વાત કરી છે.

ભારતે અનેક હાઇ-ટેક પાકિસ્તાની જેટ તોડી પાડ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના થોડા દિવસો પછી, 10 મેના રોજ એર માર્શલ એ. કે. ભારતીએ કહ્યું હતું કે, ‘ભારતે ઘણા ‘હાઇ-ટેક’ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે, જોકે તેમણે સંખ્યાનો ઉલ્લેખ કર્યો ન હતો.

બીજી તરફ પાકિસ્તાને ભારતના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, ‘પાકિસ્તાન વાયુસેના(PAF)ના ફક્ત એક વિમાનને થોડું નુકસાન થયું છે. તેનાથી વિપરીત પાકિસ્તાનનો દાવો છે કે તેણે રાફેલ સહિત છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યા છે.’

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે શું કહ્યું?

જોકે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે. તેમણે સ્વીકાર્યું હતું કે સંઘર્ષ દરમિયાન કેટલાક ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા જાહેર કરી નથી.

જનરલ ચૌહાણે કહ્યું કે, ‘આ નુકસાન સંઘર્ષના પ્રારંભિક તબક્કામાં થયું હતું, પરંતુ ભારતીય સશસ્ત્ર દળોએ ખૂબ જ ઝડપથી તેમની ભૂલો સુધારી અને પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. મહત્ત્વપૂર્ણ વાત એ નથી કે વિમાન પડી ગયું, પરંતુ તે કેમ પડ્યું… કઈ ભૂલ થઈ, આ વધુ મહત્ત્વપૂર્ણ છે. સંખ્યાથી કોઈ ફરક પડતો નથી.’

Share This Article