America News: વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના આનંદપુરા ગામના એક પરિવારને મેક્સિકોથી અમેરિકા જવા માટે હોડીમાં સવાર થયા હતા. પરંતુ હોડી સેન ડિએગો કિનારે પલટી જતાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે.
15 વર્ષીય પુત્રીના મૃતદેહની શોધખોળ ચાલુ
મળતી માહિતી અનુસાર, આનંદપુરાના બ્રિજેશ પટેલ અને તેમના પત્ની જાગૃતિબેન પોતાના બે બાળકો સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા. સેન ડિએગો કિનારે પહોંચતા જ દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેમના બે બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જેમાંથી 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો છે અને 15 વર્ષીય પુત્રી મહિનાના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
પતિ-પત્ની હાલ સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિએગોમાં સારવાર હેઠળ છે અને બંને US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની કસ્ટડીમાં છે.
સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આપી માહિતી
સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ ગુમ થયા છે તેમજ ચાર ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો. જેમના બે બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.’