Flavio Bolsonaro US Visa: લૂલા સામે હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા ભાગ્યા? ટ્રમ્પ વહીવટીતંત્ર પત્ની અને બે દીકરીઓને પણ વિઝા આપશે

Arati Parmar
7 Min Read

Flavio Bolsonaro US Visa: બ્રાઝિલના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી નેતા લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વા સામે હાર્યા બાદ દક્ષિણપંથી નેતા અને સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા ભાગી ગયા હોવાના સમાચાર છે. અમેરિકાના વિદેશ વિભાગે ફ્લાવિયો બોલ્સોનારો, તેમની પત્ની અને બે દીકરીઓને અમેરિકામાં પ્રવેશ માટે વિઝા આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં ફ્લાવિયોને તેમના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

રોઇટર્સના અહેવાલ મુજબ, ત્રણ સૂત્રોએ જણાવ્યું કે રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. જોકે, તેઓ અમેરિકા પહોંચ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરિવારની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે ફ્લાવિયો ફ્લોરિડા પહોંચી ગયા છે, પરંતુ ત્યાંના તેમના ચોક્કસ સ્થળ વિશે માહિતી આપવામાં આવી નથી. અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને કહ્યું, “વિદેશ વિભાગ ફ્લાવિયો બોલ્સોનારો અને તેમના પરિવારને વિઝા આપશે અને તેમને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપશે.”

- Advertisement -

સુપ્રીમ કોર્ટના પાસપોર્ટ જમા કરાવવાના આદેશની અવગણના

ફ્લાવિયો બોલ્સોનારોના અમેરિકા જવાના સમાચારે બ્રાઝિલના રાજકારણમાં નવો વિવાદ ઊભો કર્યો છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે તેમને તેમના સામાન્ય અને રાજદ્વારી પાસપોર્ટ 24 કલાકની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મની લોન્ડરિંગના એક કેસની તપાસ હેઠળ આપવામાં આવ્યો હતો. અદાલતે પાસપોર્ટ જપ્ત કરવા પાછળ ફ્લાવિયો દેશ છોડીને ભાગી જવાની આશંકા અને તેમની પાસે રહેલાં “મહત્ત્વપૂર્ણ નાણાકીય સંસાધનો”નો ઉલ્લેખ કર્યો હતો.

રોઇટર્સના જણાવ્યા મુજબ, પાસપોર્ટ જમા કરાવવાની સમયમર્યાદા પૂરી થયા બાદ બે સૂત્રોએ જણાવ્યું કે તેમના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા હતા. ફ્લાવિયોએ સોમવારે બ્રાઝિલ છોડવાની કોઈ યોજનાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પાસપોર્ટ જમા કરાવશે અને પોતાની સામે મૂકવામાં આવેલા આરોપોનો સામનો કરશે. તેમણે કહ્યું હતું, “મેં ક્યારેય દેશ છોડવા વિશે વિચાર્યું નથી. હું મારા પાસપોર્ટ જમા કરાવીશ અને આ અન્યાય સામે પોતાનો બચાવ કરીશ. આ મને ડરાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે.” જોકે, તેના બીજા જ દિવસે તેમના અમેરિકા ચાલ્યા જવાના સમાચાર સામે આવ્યા.

- Advertisement -

લૂલાએ ફ્લાવિયોના અમેરિકા જવાને શરમજનક ગણાવ્યું

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોના દેશ છોડવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. લૂલાએ બ્રાસિલિયામાં કહ્યું કે તેમને ફ્લાવિયોના દેશ છોડવાની જાણકારી હમણાં જ મળી છે. તેમણે આ પગલાને શરમજનક ગણાવતાં કહ્યું કે ફ્લાવિયોએ બ્રાઝિલમાં રહીને પોતાની સામેના આરોપોનો સામનો કરવો જોઈતો હતો. લૂલાએ કહ્યું કે ફ્લાવિયોએ બ્રાઝિલમાં રહીને પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈતી હતી.

લૂલાએ બોલ્સોનારો પરિવારના અમેરિકા સાથેના સંબંધો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બોલ્સોનારો પરિવાર માટે બ્રાઝિલ બીજો દેશ અને અમેરિકા પહેલો દેશ છે. લૂલાએ અગાઉ પણ અમેરિકા પર બોલ્સોનારો પરિવારને ફરીથી સત્તામાં લાવવા માટે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે.

- Advertisement -

ચૂંટણીમાં હાર્યા પછી પણ ફ્લાવિયોએ હાર સ્વીકારી નહીં

રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લૂલા દા સિલ્વા સામે હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારોએ ઔપચારિક રીતે હાર સ્વીકારી નથી. તેમણે ચૂંટણીમાં કથિત અનિયમિતતાઓનો ઉલ્લેખ કરીને પરિણામો રદ કરવાની માગણી કરવાની વાત કહી હતી. જોકે, તેમની પાર્ટી લિબરલ પાર્ટીએ સોમવારે લૂલાની જીત સ્વીકારી લીધી. ચૂંટણીમાં લૂલાએ ફ્લાવિયોને આશરે 44 લાખ મતોના અંતરથી હરાવ્યા હતા. પ્રથમ તબક્કામાં ફ્લાવિયોને સરસાઈ મળી હતી અને તેઓ ચૂંટણી જીતવાના મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ બીજા તબક્કામાં લૂલાએ અણધારી જીત નોંધાવી. લૂલાની જીતે બ્રાઝિલના રાજકારણમાં દક્ષિણપંથી બોલ્સોનારો પરિવારના પ્રભાવને મોટો ફટકો આપ્યો છે.

ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણીને ગોટાળાવાળી ગણાવી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાવિયોના પિતા અને બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થનમાં અનેક વખત નિવેદનો આપ્યાં છે. ટ્રમ્પનું કહેવું રહ્યું છે કે બ્રાઝિલની ન્યાયતંત્ર દ્વારા જાયર બોલ્સોનારોને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. ફ્લાવિયાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પે સોમવારે બ્રાઝિલની ચૂંટણી વિશે કહ્યું કે આ “બીજી એક ગોટાળાવાળી ચૂંટણી” જેવી લાગે છે. જોકે, તેમણે પોતાના આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવો આપ્યો નથી. ફ્લાવિયાના અમેરિકા જવા અને અમેરિકી વહીવટીતંત્ર દ્વારા તેમના પરિવારને વિઝા આપવાની જાહેરાતથી વોશિંગ્ટન અને બ્રાસિલિયા વચ્ચે પહેલેથી રહેલો તણાવ વધુ વધવાની આશંકા છે. લૂલા સરકાર અમેરિકા પર બોલ્સોનારો પરિવારને ફરીથી સત્તામાં લાવવા માટે હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવતી રહી છે.

ફ્લાવિયાના ચૂંટણી પ્રચારના સંચાલક પણ તેમના અમેરિકા જવાના સમાચારથી આશ્ચર્યચકિત

ફ્લાવિયો બોલ્સોનારોના અમેરિકા જવાના સમાચારથી તેમના ચૂંટણી પ્રચારના સંચાલક અને સેનેટર રોજેરિયો મારિન્હો પણ આશ્ચર્યચકિત હોવાનું કહેવાય છે. મારિન્હોએ કહ્યું કે સોમવારે જ તેમની ફ્લાવિયો સાથે ચર્ચા થઈ હતી. એ વાતચીતમાં ચૂંટણીમાં આશરે છ કરોડ મત મળ્યા બાદ ફ્લાવિયોએ વિપક્ષના નેતાની ભૂમિકા ભજવવાની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. મારિન્હોએ કહ્યું કે ફ્લાવિયોના બ્રાઝિલ છોડવાના સમાચારથી તેમને આશ્ચર્ય થયું છે.

ફ્લાવિયાએ બ્રાઝિલ છોડ્યું તે સંજોગો પણ સ્પષ્ટ નથી. બ્રાઝિલની ફેડરલ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું કે ફ્લાવિયો દેશના કોઈ નિયમિત ઇમિગ્રેશન તપાસ કેન્દ્રમાંથી બહાર ગયા નહોતા. આથી સવાલ ઊભો થયો છે કે પાસપોર્ટ જમા કરાવવાના આદેશ અને મુસાફરી પરના પ્રતિબંધો છતાં તેઓ દેશની બહાર કેવી રીતે ગયા.

ફેબ્રુઆરીમાં ફ્લાવિયાની સંસદીય પ્રતિરક્ષા સમાપ્ત થશે

ફ્લાવિયો બોલ્સોનારો બ્રાઝિલના સેનેટર છે. તેમનો સેનેટનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. કાર્યકાળ પૂરો થયા બાદ તેમને મળતી કાર્યવાહીથી સુરક્ષા એટલે કે સંસદીય પ્રતિરક્ષા પણ સમાપ્ત થઈ જશે. ફ્લાવિયો સામે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરી સંબંધિત કેસોની તપાસ ચાલી રહી છે. એક કેસમાં તેમના પર સરકારી પેન્શન સાથે જોડાયેલી નકલી કપાતો દ્વારા નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. બીજા કેસમાં તેમના પર એક વિવાદાસ્પદ બેન્કર પાસેથી લાખો ડોલર સ્વીકારવાનો આરોપ છે. ફ્લાવિયો આ આરોપોનો સતત ઇનકાર કરતા રહ્યા છે.

પિતા જાયર બોલ્સોનારો પણ ચૂંટણીમાં હાર્યા બાદ અમેરિકા ગયા હતા

ફ્લાવિયો બોલ્સોનારોનું અમેરિકા જવું તેમના પિતા અને બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પગલાની યાદ અપાવે છે. જાયર બોલ્સોનારો 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લૂલા સામે હાર્યા બાદ ચૂંટણીનાં પરિણામો સ્વીકાર્યા વિના અમેરિકા ચાલ્યા ગયા હતા. તે સમયે અમેરિકામાં જો બાઇડન રાષ્ટ્રપતિ હતા. જાયર બોલ્સોનારો બાદમાં બ્રાઝિલ પાછા ફર્યા હતા. તેમના સમર્થકોએ બ્રાસિલિયામાં સરકારી ઇમારતો પર હુમલો કર્યા બાદ બળવાની સાજિશ રચવાના કેસમાં તેમને 27 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં તેઓ પોતાના ઘરમાં નજરકેદની સજા ભોગવી રહ્યા છે. ફ્લાવિયાના અમેરિકા જવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે તેમના પિતાની કાનૂની મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે.

Share This Article