Hormuz Strait News 2026: ‘હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવા દઈશું જો…’, ઈરાને જણાવ્યું કયા દેશોને છે પરવાનગી, શું ભારતીય શિપ ધડાધડ પસાર થશે?

Arati Parmar
3 Min Read

Hormuz Strait News 2026: ઈરાને કહ્યું છે કે તેનો હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે બંધ કરવાનો ઈરાદો નથી. ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદાએ આ વાત કહી છે. સઈદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “અમે એવા દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી રહ્યા છીએ, જે ઈરાન વિરુદ્ધના હુમલામાં ઈઝરાયેલ-અમેરિકા ગઠબંધન સાથે નથી.” તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક ભારતીય તેલ ટેન્કરો હોર્મુઝમાંથી બહાર નીકળીને આવ્યા છે.

ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના જવાબ તરીકે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો કર્યો છે. આ સાંકડો દરિયાઈ માર્ગ બંધ થવાથી વિશ્વના મોટા ભાગમાં ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે. ભારતમાં પણ તાજેતરના દિવસોમાં LPG ને લઈને અનેક શહેરોમાં અફરાતફરી જોવા મળી છે. આ બધાની વચ્ચે ભારતના કેટલાક જહાજો છેલ્લા દિવસોમાં આ દરિયાઈ માર્ગે પસાર થયા છે, પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકી નથી.

- Advertisement -

ભારતના કેટલાક જહાજો નીકળ્યા

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેહરાને કેટલાક ભારતીય જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. તેમણે જહાજોની સંખ્યા અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. ભારતનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો LPG લઈને આવવાની પુષ્ટિ થઈ છે. જોકે હજુ પણ ભારતના 20 થી વધુ જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની પરવાનગી મળવાની રાહ જોવાઈ રહી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે જણાવ્યું હતું કે અનેક દેશોએ તેહરાનનો સંપર્ક કર્યો છે અને પોતાના જહાજો માટે રસ્તો માંગ્યો છે. આ અંગે નિર્ણય લેવો એ અમારી સેનાનું કામ છે. ભારત, પાકિસ્તાન, તુર્કી સહિત અનેક દેશોના જહાજોને ત્યાંથી પસાર થવાની મંજૂરી તેહરાન તરફથી આપવામાં આવી છે. જોકે ઈરાન તરફથી હજુ સુધી સ્પષ્ટતા સાથે આ દરિયાઈ માર્ગ પર બાબતો સ્પષ્ટ કરવામાં આવી નથી.

- Advertisement -

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વનો એક મહત્વપૂર્ણ કોરિડોર છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ઈરાનના પ્રભાવ હેઠળની હોર્મુઝની સામુદ્રધુની માત્ર 54 કિલોમીટર પહોળી છે. ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી આ સામુદ્રધુનીમાં દરિયાઈ વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. આનાથી વિશ્વના અનેક દેશોમાં ઉર્જા સંકટ છે અને તેલની કિંમતો વધી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન દેખાયા છે. ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ સંજોગોમાં ખોલવામાં આવશે. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીને સુરક્ષિત રાખવા માટે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુકે પાસે યુદ્ધ જહાજો મોકલવાની માંગ કરી છે. જોકે હજુ સુધી આ દેશો આ વિસ્તારમાં પોતાના જહાજો મોકલવા તૈયાર દેખાયા નથી.

- Advertisement -
Share This Article