India Bangladesh Diesel Supply: બાંગ્લાદેશને ઉર્જા સંકટમાંથી બહાર કાઢવા માટે ભારત ફરી એકવાર તારણહાર બનીને આવ્યું છે. બાંગ્લાદેશમાં ઈંધણનો સતત પુરવઠો જાળવી રાખવાના પ્રયાસો હેઠળ ભારત તરફથી વધારાના 5000 ટન ડીઝલ મળવાનું શરૂ થઈ ગયું છે. આ મામલાથી પરિચિત અધિકારીઓએ આ જાણકારી આપી છે. ઈન્ડિયા-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન દ્વારા આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ નવો જથ્થો પાર્બતીપુર પદ્યા ઓઈલ ડેપોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.
પાર્બતીપુર પદ્યા ઓઈલ ડેપોના મેનેજર મો. અહેસાન હબીબ ચૌધરીએ જણાવ્યું કે, “ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન દ્વારા ભારતથી પાર્બતીપુર પદ્યા ઓઈલ ડેપોમાં 5000 ટન ડીઝલનો વધુ એક જથ્થો આવવો શરૂ થઈ ગયો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ નવો જથ્થો 16 એપ્રિલની સવારથી મળવો શરૂ થઈ ગયો હતો.
બાંગ્લાદેશને ભારત પાસેથી કેટલું ડીઝલ મળ્યું?
ઢાકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્ચથી 14 એપ્રિલની વચ્ચે બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા ભારતથી 30000 ટન ડીઝલનો પુરવઠો મળી ચૂક્યો છે.
માર્ચમાં ભારતથી બાંગ્લાદેશને 22000 ટન ડીઝલનો પુરવઠો આપવામાં આવ્યો.
14 એપ્રિલે બાંગ્લાદેશના પાર્બતીપુર ડેપોમાં 8000 ટન ડીઝલ પહોંચ્યું.
એપ્રિલમાં 25000 ટન ડીઝલ મળવાની આશા
પાર્બતીપુર ડેપોના અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ સપ્લાય આવવાની છે. તેમણે કહ્યું કે ચારથી પાંચ દિવસની અંદર ભારતની નુમાલીગઢ રિફાઈનરીમાંથી 7000 ટન ડીઝલ હજુ આવવાનું છે. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા મુજબ, એપ્રિલ મહિનામાં બાંગ્લાદેશને ભારત પાસેથી 25000 ટન ડીઝલ મળવાની આશા છે.
લાઈફલાઈન બની ક્રોસ બોર્ડર પાઈપલાઈન
ભારતથી જતી ક્રોસ બોર્ડર પાઈપલાઈન બાંગ્લાદેશ માટે લાઈફલાઈન બની ગઈ છે. ડેપો મેનેજર અહેસાન હબીબ ચૌધરીએ જણાવ્યું કે સરકાર ઈંધણનો સામાન્ય સ્ટોક જાળવી રાખવા અને કોઈ પણ અડચણ વગર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પાઈપલાઈન દ્વારા ભારતથી ડીઝલની આયાત ચાલુ રાખી રહી છે. સપ્લાયને કુશળતાપૂર્વક સુનિશ્ચિત કરવા માટે પાર્બતીપુર ડેપો શુક્રવારે જાહેર રજાના દિવસે પણ ચાલુ રહ્યો હતો.

